તમામ હોસ્પિટલોમાં ગોપનિયતા અંગે તકેદારી રાખવા આદેશ
રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલા દર્દીઓના ચેકઅપના વીડિયો વાઈરલ થતાં આરોગ્ય વિભાગ એકશનમાં
તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓ-સરકારી હોસ્પિટલોને ગોપનિયતાનો ભંગ ન થાય તે જોવા સૂચના
રાજકોટના પાયલ મેટરનીટી હોસ્પીટલમાં મહીલા દર્દીઓના ચેકઅપના વીડીયો યુ-ટયુબ અને સોશિયલ મીડીયામાં વાઇરલ થતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે અને પોલીસ તથા આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકરણની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ઘટનાના પડઘા સરકારમાં પડયા છે અને આરોગ્ય વિભાગે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે ખાસ તકેદારી રાખવા અને જરૂર પડે તો હોસ્પિટલોમાં ચેકીંગ કરવા સુચના આપી છે.
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાંથી મહિલાઓના વાયરલ થયેલા વીડિયોને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને સૂચના આપી છે તેમજ અન્ય ક્યાંય પણ આ પ્રકારનો કેસ સામે ન આવે તેની તકેદારી રાખવા સૂચના અપાઈ છે. દર્દીની ગોપનીયતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા ચેતવણી પણ આપી છે.
સરકારી હોસ્પિટલમાં કે PHC અને CHCને પણ કડક સૂચના આપવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં હાલ જે સીસીટીવી છે તેનાથી પણ ગોપનીયતા ભંગ ન થાય તે અંગે સૂચના આપવામાં આવી છે.
રાજકોટના 150 ફુટ રીંગરોડ ઉપર રૈયા સર્કલ નજીક આવેલ પાયલ મેટરનીટી હોસ્પીટલના મહીલા દર્દીઓના ચેકઅપના અનેક સીસીટીવી વીડીયો જાહેર થતા ભારે ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ સાઇબર સેલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અને રાત્રે જ પાયલ હોસ્પીટલમાં પોલીસ તથા આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ કરી હતી.
જો કે આ ઘટનામાં હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. વીડીયો લીક કરવાના મામલે પાયલ હોસ્પીટલના તમામ સ્ટાફ અને ડોકટરો પણ શંકાના દાયરામાં છે. જો કે સીસીટીવી હેક થયાની શંકા પણ નકારી શકાતી નથી.
આરોગ્યમંત્રીએ રાત્રે જ સમગ્ર ઘટનાની માહિતી મેળવી
રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહીલા દર્દીઓનાં ચેકઅપના સીસીટીવી ફુટેજ વાયરલ થવાની ઘટનાના ઘેરા પડઘા પડયા છે અને રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાત્રે જ આ ઘટના અંગે સંબંધીત અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી તેમજ રાજયભરમાં સરકારી હોસ્પીટલો તથા આરોગ્ય કેન્દ્રોમાં સીસીટીવી નેટવર્કની ચકાસણી કરવા અને ગોપનિયતાનો ભંગ થાય નહીં તેની તકેદારી રાખવા લાગતા વળગતા અધિકારીઓને સુચના આપી હતી. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સક્રિય બન્યા છે અને પોલીસને સમગ્ર ઘટનામાં જીણવટભરી તપાસ કરવા સુચના આપી છે.