નવા મંત્રીમંડળમાં સર્વ સમાજને પ્રતિનિધિત્વ અપાશે
પાટીદાર 8, ઓબીસી 8, આદિવાસી 5, દલિત 2, ક્ષત્રિય 2, બ્રાહ્મણ 2 અને વણિક સમાજમાંથી 1 મંત્રીને મંત્રીમંડળમાં સ્થાન મળવાની સંભાવના
બીજેપીએ હજુ થોડા દિવસ પહેલા જ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. જગદીશ વિશ્વકર્માને બીજેપીના નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ હવે દાદાની સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, હવે ટૂંકા સમયગાળામાં જ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી શકે છે. તેવામાં હવે સૌ કોઈને એ સવાલ થઈ રહ્યો છે કે, નવા મંત્રીમંડળનું ગણિત શું હશે, તેનું માળખું કયા પ્રકારનું હશે? કયા સમાજમાંથી કેટલા લોકોને સામેલ કરાશે? આ તમામ સવાલોને લઈ હવે લોકોમાં ભારે ઉત્સુકતા જાગી છે.
જો જ્ઞાતિ આધારિત સંભવિત મંત્રીમંડળની વાત કરીએ તો પાટીદાર સમાજના કુલ 8 મંત્રી હોઈ શકે છે. આ 8 મંત્રીઓમાંથી 5 કેબિનેટ મંત્રી અને 3 રાજ્યકક્ષાના મંત્રી હોઈ શકે છે. ગુજરાતમાં પાટીદારોની વસતિ સૌથી વધુ છે અને તેને જ લઈ આ પ્રકારે મંત્રીમંડળમાં વધારે મંત્રીઓને સ્થાન મળી શકે છે. પાટીદારોમાં પણ આપણે ત્યાં બે પાટીદાર છે. કડવા પટેલ અને લેઉવા પટેલ. એટલે કુલ 5 પાટીદાર કેબિનેટ મંત્રીઓમાં 2 કડવા પટેલ અને 3 લેઉવા પટેલ હોઈ શકે છે. જ્યારે રાજ્યકક્ષાના કુલ 3 મંત્રીઓમાં 1 કડવા પટેલના હોઈ શકે છે અને લેઉવા પટેલના 2 મંત્રી હોઈ શકે છે.
તેવી જ રીતે ઓબીસી સમુદાયની વાત કરીએ તો ઓબીસીમાંથી પણ કુલ 8 મંત્રીઓને સરકારમાં સ્થાન મળી શકે છે. જેમાં 4 કેબિનેટ મંત્રી અને 4 રાજ્યકક્ષાના મંત્રી હોઈ શકે છે. ઓબીસીમાં કેબિનેટના કુલ 4 મંત્રીઓમાં કોળી, ઠાકોર, ચૌધરી અને બીજી કોઈ નાની જ્ઞાતિના હોઈ શકે છે. જ્યારે ઓબીસીમાં રાજ્યકક્ષાના 4 મંત્રીઓમાં પણ કોળી, ઠાકોર, ચૌધરી અને બીજી કોઈ નાની જ્ઞાતિના હોઈ શકે છે. ઉપરાંત આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે પણ ખાસ પ્લાન હોઈ શકે છે.
આદિવાસી સમાજના કુલ 5 મંત્રી હોઈ શકે છે. જેમાં 2 કેબિનેટમાં અને 3 રાજ્યકક્ષામાં હોઈ શકે છે. તો બીજી તરફ દલિત સમાજના 2 મંત્રી હોઈ શકે છે. જેમાં એક કેબિનેટ અને એક રાજ્યકક્ષામાં સામેલ થઈ શકે છે. તેવી જ રીતે ક્ષત્રિય સમાજના 2 મંત્રી હોઈ શકે છે. જેમાં એક કેબિનેટ અને એક રાજ્યકક્ષામાં સામેલ થઈ શકે છે. જ્યારે વણિક સમાજના પ્રતિનિધિને મંત્રીમંડળમાં સ્વતંત્ર હવાલો સોંપવામાં આવી શકે છે. જ્યારે બ્રાહ્મણ સમાજના બે મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
હાલનું મંત્રીમંડળ
પાટીદાર 4
ઓબીસી 6
આદિવાસી 3
બ્રાહ્મણ 1
ક્ષત્રિય 1
દલિત 1
વણિક 1
આજની કેબીનેટની બેઠક રદ
મંત્રીમંડળના વિસ્તરણને લઇને હાલ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગમે તે ઘડીએ મંત્રીમંડળ વિસ્તરણને લઇને જાહેરાત થવાની ચર્ચા થઇ રહી છે. મંત્રીમંડળને લઇને આજે કેબીનેટની બેઠક મળવાની વાત હતી. જો કે આજે આ બેઠક રદ કરવામાં આવી છે અને આવતીકાલે કેબીનેટની બેઠક મળવાની શકયતા છે. આવતીકાલની કેબીનેટની બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણની વાત પરથી પડદો ઉંચકાઇ શકે છે.