નવા મંત્રી મંડળમાં સર્વ જ્ઞાતિ સમીકરણ સેટ કરાયા
ઘઇઈ 8, પાટીદાર 7, એસટી 4, એસસી 3, ક્ષત્રિય 2 અન્ય 2
આજે ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે. ત્યારે આ નવા મંત્રી મંડળમાં સરકારે જ્ઞાતિ સમીકરણ સેટ કર્યુ હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ભાજપે નવા મંત્રી મંડળમાં તમામ સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે. જો કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ઓબીસી સમાજનો દબદબો જોવા મળી રહ્યો છે.
આજે જાહેર થયેલા ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં 8 ઓબીસી ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપે જ્ઞાતિ સમીકરણમાં ઓબીસી સમુદાયને સૌથી વધુ મહત્વ આપ્યું છે. તેની સાથેસાથે મંત્રી મંડળમાં 7 પાટીદાર નેતાઓની પણ પસંદગી કરવામાં આવી છે. કારણ કે ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજની ભૂમિકા મહત્વની રહે છે. જેના કારણે આગામી ચૂંટણીમાં મતદારોને રીઝવવા ભાજપે મંત્રી મંડળમાં જ્ઞાતિ સમીકરણના ચોગઠા બેસાડયા છે.
આ ઉપરાંત ંઆદીવાસી સમાજમાંથી પણ ચાર નેતાને મંત્રાલયમાં સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે રાજ્યના આદીવાસી વિસ્તારમાં ભાજપનો આધાર મજબૂત કરવો આવનારા દિવસો માટે અનિવાર્ય છે તેમજ ક્ષત્રિય સમાજમાંથી બે અને એસ.સી.માંથી ત્રણ નેતાની મંત્રી મંડળમાં પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય સમાજમાંથી પણ બે નેતાને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.
મંત્રી મંડળમાં જ્ઞાતિ મુજબ વાત કરીએ તો કડવા પાટીદારમાંથી કાંતિ અમૃતિયા, રૂષીકેશ પટેલ અને ખુદ મુખ્યમંત્રી છે તેવીજ રીતે લેઉઆ પટેલ સમાજની વાત કરીએ તો પ્રફુલ પાનસેરિયા, જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા અને કમલેશ પટેલનો સમાવેશ થાય છે. ઓબીસી સમાજમાંથી કુંવરજી બાવળીયા, સ્વરૂપજી ઠાકોર, પ્રવિણ માળી, ત્રિકમ છાગા, અર્જુન મોઢવાડિયા, ઈશ્ર્વરસિંહ પટેલ, રમણભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. આદિવાસી સમાજમાંથી નરેશ પટેલ, ડો.જયરામ ગામીત, પી.સી.બરંડા, રમેશ કટારા તથા દલિત સમાજમાંથી દર્શના વાઘેલા, મનીષા વકીલ, ડો.પ્રધ્યુમન વાજાનો સમાવેશ થાય છે. બ્રાહ્મણ સમાજમાં કનુ દેસાઈ, વણિકમાંથી હર્ષ સંઘવી, કોળીસમાજમાંથી પરસોત્તમ સોલંકી અને ક્ષત્રિય સમાજમાંથી રિવાબા જાડેજા, સંજયસિંહ મહિડાનો સમાવેશ થાય છે.