ધોરાજીમાં 22 વર્ષ પૂર્વે થયેલા કોમી હુલ્લડના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો
ધોરાજી શહેરમાં આવેલ નદી બજારમાં સિંધી વેપારીઓની દુકાનો પાસે લઘુમતી કોમના અમુક લોકો પાથરણું પાથરી શાકભાજી વેચતા. ત્યારબાદ ગત તા:-17/08/2002 ના રોજ દિલીપભાઈ પારવાણીની દુકાન પાસે સાયકલ રાખવા બાબતે મુસ્લિમના એક છોકરા સાથે વેપારીને ઝઘડો થયેલો. બાદમાં તે છોકરાએ પોતાના વિસ્તારમાં જઈ બનાવની વાત કરતા બપોરના બારેક વાગ્યે બસો જેટલા માણસો હાથમાં તલવાર, છરીઓ, લાકડીઓ, ધારીયા વગેરે જેવા ઘાતક હથિયારો સાથે નદી બજારમાં આવેલ અને વેપારીઓની દુકાનમાં તોડફોડ કરી આડેધડ વેપારીઓને હથિયારો વડે મારેલ તેમજ દુકાનોમાંથી માલ સામાનની લૂંટ ચલાવેલ. આ બાબતનો કેસ રાજીવભાઈ જેઠાનંદભાઈ છતાણી દ્વારા ધોરાજી પોલીસ સ્ટેશનમાં કરાતા પોલીસે ઇ.પી.કો. કલમ 307, 397, 326, 427, 325 તથા ગેરકાયદે મંડળી રચવાનો તેમજ ઘાતક હથિયારો ધારણ કરવાનો ગુનો નોંધેલ અને ત્યારબાદ પોલીસે કોમ્બિંગ ચલાવી મીર મહમદ હનીફ મિયા, નજીરભાઈ ગરાણા, સૈયદ અમીનભાઈ વલીભાઈ, અહેમદ ગરાણા, કાદર ગરાણા, અમીન આમદ, મહેબૂબ રફીક, ફારૂૂક મુસા, અલી ઉસ્માન, શબ્બીર મુસા, રઝાક હાસમ, મોહસીન યુનુસ, અલ્તાફ અબુ, શાહીદ ઇકબાલ, શકીલ શકુર, સિકંદર વલી, સલીમ પીર મહંમદ, સુલેમાન મજીદ, શરીફ સીદીક, હારુન વલી, બોદુ હાસમ, અબા ઈશા સહિત 192 આરોપીઓની અટક કરેલ. આ બનાવ બન્યો તે સમયે ધોરાજી શહેરમાં સંપૂર્ણ કર્યું લાગુ કરવામાં આવેલ અને એસ.આર.પી. તથા સી.આર.પી.એફ. ની કુમકો ઉતારવામાં આવેલી અને સમગ્ર શહેરમાં ખૂબ જ ભયનું વાતાવરણ બની ગયેલ. ત્યારબાદ તે કેસમાં ધોરાજી જ્યુડિશિયલ કોર્ટમાં ચાર્જશીટ કરાતા કેસ સેશન્સ ટ્રાયેબલ હોય, ધોરાજી સેશન્સ કોર્ટમાં કમિટ થતા તે કેસમાં આરોપીઓ વિરુદ્ધ સેશન્સ કોર્ટ દ્વારા ચાર્જકેમ કરાયેલ અને બાદમાં તે કેસમાં 80 જેટલા સાક્ષીઓની જુબાની નોંધાયેલ અને ત્યારબાદ ફરિયાદ પક્ષને આરોપી પક્ષ દ્વારા વિસ્તૃત દલીલો સેશન્સ કોર્ટ ધોરાજી સમક્ષ રજૂ કરવામાં આવેલ.
જેમાં ફરીયાદપક્ષ પોતાનો કેસ સાબીત કરી શકેલ નહીં અને પોલીસની કાર્યવાહી પણ યોગ્ય રીતે થયેલ નહિ અને જે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ તેઓની સામેનો કેસ યોગ્ય રીતે પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ નિવડેલ, જે તમામ પુરાવો તથા દલીલો ધ્યાને લઈ તા:- 13/11/2025 ના રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિકટ જજ એ. એમ. શેખ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવેલ છે આમ 23 વર્ષ બાદ નિર્ણય આવેલ છે. હતા. આ કેસમાં આરોપીઓ વતી ધોરાજીના એડવોકેટ ચંદુલાલ એસ. પટેલ અને એસ.પી.વાઢેર રોકાયેલા હતાં.
