અખાડાના પ્રમુખ રવીન્દ્રપુરીની મહેશગીરીને ચીમકી
જૂનાગઢ અંબાજી ગાદી વિવાદમાં અંતે અખાડાએ ઝંપલાવ્યું
સાચા હોય તો કોર્ટમાં જવા પડકાર, તમે સાંસદ હતા ત્યારે પેન્ટ પહેરતા, હવે ટિકિટ ન મળતા ફરી સંત બન્યા
જૂનાગઢમાં અંબાજી મંદિરની ગાદી અને ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ સતત વકરી રહ્યો છે. સંતોનો વિવાદ હવે રાજકારણ બની ગયું હોય એમ લાગી રહ્યું છે. ત્યારે હવે આ વિવાદમાં અખિલ ભારતીય અખાડા પરિષદની એન્ટ્રી થઇ છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવીન્દ્રપુરીએ હવે મહેશગિરિને ચીમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે હરિગિરિને આંગળી પણ અડી તો અખિલ ભારતીય અખાડાના તમામ સાધુઓ જૂનાગઢમાં ઊમટી પડશે. આ ઉપરાંત તેમણે મહેશગિરિને સવાલ કર્યો છે કે તમે સાંસદ હતા ત્યારે તમે પેન્ટ પહેરતા હતા, ટિકિટ ન મળી એટલે હવે તમે ભગવા પહેરો છો. તમે બીજીવાર ક્યારે સંન્યાસ લીધો? એકવાર પેન્ટ પહેર્યા બાદ ફરીથી ભગવા પહેરવા માટે ફરીથી સંન્યાસ લેવો પડે છે, જે તમે નથી લીધો એ પણ તમારે કહેવું પડશે.
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવીન્દ્રપુરી મહારાજે જણાવ્યું હતું કે એક સંત જ બીજા સંત પર હુમલો કરે એ યોગ્ય ન કહેવાય. હરિગિરિ મહારાજને આખો દેશ જાણે છે. તેમના વિરુદ્ધમાં આવું ષડયંત્ર કરવું એ સારી બાબત ન કહેવાય. મહેશગિરિ વીડિયો બનાવી બનાવીને લોકોને ભેગા કરીને શું કરવા માગે છે એ ખબર નથી પડતી, તમે સાચા હોવ તો કોર્ટમાં જાઓ. મહેશગિરિ જે કરે છે એનો અમે વિરોધ કરીએ છીએ. હરિગિરિને કોઈની આંગળી પણ અડી તો અખિલ ભારતીય અખાડા સહન નહીં કરે. અખિલ ભારતીય અખાડા પરિષદના તમામ સાધુ-સંતો જૂનાગઢમાં ઊમટી પડશે.
રવીન્દ્રપુરી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે મહેશગિરિને જો કોઇ સમસ્યા હોય તો કોર્ટમાં જાય, પણ વીડિયો બનાવી બનાવીને એક સાચા સંતને બદનામ કરે એ સારી બાબત નથી. મહેશગિરિ પોતાને સંત કહે છે. તો જ્યારે તમે સાંસદ હતા ત્યારે તમે પેન્ટ પહેરતા હતા, ટિકિટ ન મળી એટલે હવે તમે ભગવા પહેરો છો. તમે બીજીવાર ક્યારે સંન્યાસ લીધો? એકવાર પેન્ટ પહેર્યા બાદ ફરીથી ભગવા પહેરવા માટે ફરીથી સંન્યાસ લેવો પડે છે, જે તમે નથી લીધો, એ પણ તમારે કહેવું પડશે.