એરપોર્ટ ‘ઇન્ટરનેશનલ’ બનવા તૈયાર, કાલે કસ્ટમનું ઈન્સ્પેક્શન
મુસાફરોની અસુવિધાની થોકબંધ ફરિયાદ બાદ એરપોર્ટ ઓથોરિટીનો ‘આત્મા’ જાગ્યો; 4 કલાક મફત વાઇફાઇ આપશે, એક મહિનાની અંદર સ્ટારબકસ - નેસ્કાફે શરૂ થશે, દરરોજ 30 મુસાફરો પાસેથી ફિડબેક પણ મેળવશે
રાજકોટના હિરાસર ખાતે આવેલ એરપોર્ટ હવે ઇન્ટરનેશનલ ઉડાનો માટે સજજ બનવાની તૈયારીમા છે. રાજકોટ એરપોર્ટ ઓથોરીટી દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટની જરૂરીયાતો પુર્ણ કરી દેવામા આવી છે અને આ જરૂરીયાતોની સમીક્ષા કરવા માટે જામનગર કસ્ટમ્સની એક ટીમ પણ આવતીકાલે એરપોર્ટની મુલાકાત લેશે. આ ઉપરાંત મુસાફરોની રાજકોટ એરપોર્ટ પર મોબાઇલ કનેકટીવીટી, વાઇફાઇ, ખાણીપીણી સહીતનાં મુદે અનેક ફરીયાદો હતી. જેના પગલે સુતેલી એરપોર્ટ ઓથોરીટીનો આત્મા જાગી ગયો છે અને તાત્કાલીક ધોરણે અનેક સુધારા - વધારા હાથ ધરાયા છે.
રાજકોટ હિરાસર એરપોર્ટ બન્યુ ત્યારથી ઘણા વિવાદોમા સપડાય ચુકયુ છે. હવે તાજેતરમા એરપોર્ટ ચાલુ થયા બાદ વાઇફાઇ , પાણી, મોબાઇલ કનેકટીવીટી જેવી સામાન્ય જરૂરીયાતો પણ ન મળતી હોવાની અનેક ફરીયાદો ઉઠી હતી. જેની ઉપરનાં લેવલે પણ નોંધ લેવાઇ હતી. એરપોર્ટ ઓથોરીટીએ ફરીયાદોનાં તાત્કાલીક નિવારણ માટે અનેક નિર્ણયો કર્યા છે. આ અંગેની યાદીમા જણાવાયુ છે કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવે દરરોજ 30 મુસાફરો પાસેથી સીધો ફીડબેક લેવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં મળેલા અહેવાલોના આધારે, એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોની સુવિધા માટે તાત્કાલિક અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.ઘણા મુસાફરોએ વાઈ-ફાઈ લોગિન પ્રક્રિયા જટિલ હોવાની ફરિયાદ કરી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ઇજગક ટીમ કાર્યરત છે અને આવતીકાલ સુધીમાં લોગિન પ્રક્રિયા સરળ બની જશે.ફ્રી વાઈ-ફાઈનો સમય 45 મિનિટથી વધારીને હવે 4 કલાક કરવામાં આવ્યો છે, જેથી મુસાફરો લાંબા સમય સુધી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.
આ ઉપરાંત ખાણી પીણીની અનેક નવી સુવિધાઓ શરૂ કરવાની પણ જાહેરાત કરાઇ છે. એરપોર્ટ પર વધુ ફૂડ આઉટલેટ્સની માંગને ધ્યાનમાં રાખીને બે મોટી બ્રાન્ડ્સ શરૂૂ થવા જઈ રહી છે: આવતા એક અઠવાડિયામાં નવું નેસ્કેફે આઉટલેટ શરૂૂ થઈ જશે. તારીખ 10 ડિસેમ્બર સુધીમાં પ્રખ્યાત સ્ટારબક્સ આઉટલેટ પણ કાર્યરત થઈ જશે.
ટર્મિનલ બિલ્ડિંગની અંદર કનેક્ટિવિટી પૂરી પાડવા મોબાઇલ કંપનીઓને રસ નહીં, રીટેન્ડર કરાયું
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર મોબાઇલ કનેકિટવિટી બાબતે અનેક ફરીયાદો ઉઠી હતી. અંદર નેટવર્ક બહુ વિક મળતુ હતુ અને ટર્મિનલ બિલ્ડિંગની અંદર મોબાઈલ નેટવર્કની સમસ્યા અંગે મુસાફરોએ ધ્યાન દોર્યું હતું. આ બાદ એરપોર્ટ ઓથોરીટી દ્વારા એક ટેન્ડર પણ બહાર પડાયુ હતુ. ઇન-બિલ્ડીંગ સોલ્યુશન્સ માટે અગાઉ બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં કોઈ કંપનીએ રસ દાખવ્યો ન હોવાથી તે નિષ્ફળ ગયું હતું. જોકે, આ સમસ્યાના ઝડપી નિરાકરણ માટે હવે ફરીથી રી-ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે.