એરલાઇન્સ કંપનીઓએ માનવતા નેવે મૂકી, ભાડામાં ઉઘાડી લૂંટ
રાજકોટની ઇન્ડિગો એરલાઇનની રવિવાર સુધીની ફલાઈટો રદ: ગુજરાતથી અન્ય શહેરોના ભાડા પાંચ પાંચ ગણા વધારી દીધા
રાજકોટ-મુંબઇનું ભાડુ 18 હજાર, દિલ્હીના 37 હજાર સુધી વસુલાત
રાજકોટ સહીત દેશભરમાં ઇન્ડિગો એરલાઇનની સેવા ખોરવાઇ જતા રાજકોટ- અમદાવાદ- સુરત- વડોદરા સહીતના ગુજરાતના શહેરોમાંથી દેશના વિવિધ શહેરોમાન આવન- જાવન કરતી અન્ય એરલાઇન કંપનીઓએ ગ્રાહકોની મજબુરીનો લાભ લેવા માનવતા નેવે મુકી દીધી છે અને વિમાની ભાડામાં ઉઘાડી લુંટ શરૂ કરી છે.
રાજકોટથી મુંબઇ- દિલ્હીના તેમજ અમદાવાદ- સુરત- વડોદરાથી દેશના અન્ય શહેરોમા વિમાની ભાડાઓમાં પાંચથી સાત ગણો વધારો ઝીંકી એર ઇન્ડીયા, સ્પાઇસ જેટ, અકાશા સહીતની ખાનગી વિમાની કંપનીઓએ મુસાફરોને લુંટવાનું શરૂ કરી દીધું છે.
આમ છતા કેન્દ્ર સરકાર અને સાંસદો મૌન બેસી તમાસો નિહાળી રહ્યા છે. આજે બપોર સુધી વિમાની ભાડાઓમાં ચાલી રહેલી લુંટ અંગે કેન્દ્ર સરકારનું એક નિવદન સુધા આવ્યું નથી.
રાજકોટથી દિલ્હી-મુંબઇ વચ્ચે દરરોજ ઇન્ડિગોની સાત ફલાઇટ ચાલે છે. આ તમામ ફલાઇટ રવિવાર સુધી રદ કરી નાખવામાં આવતા એરઇન્ડીયાએ ભાડા પાંચ ગણા વધારી દીધા છે. ગઇકાલે સાંજે રાજકોટ- દિલ્હીનું ભાડુ 7 થી 8 હજારની જગ્યાએ 37 હજારે પહોંચી ગયું હતું. જયારે આજે પણ રાજકોટ- મુંબઇ વચ્ચે રૂા.6000ના ભાડાના બદલે રૂા.18 હજાર વસુલવામાં આવી રહ્યા છે.
રાજકોટ- દિલ્હીની સવારે 9.50ની ફલાઇટનું ભાડુ 23405 હતું તો સવારે 10.10 વાગ્યાની ફલાઇટનું ભાડુ 35344 રૂપીયા તોડવામાં આવ્યું હતું. સામાન્ય રીતે રાજકોટ- દિલ્હીનું ભાડુ રૂા.7311 છે તેના બદલે પાંચ ગણા વધારી દેવાયા છે. આવી જ રીતે અમદાવાદ-સુરત- વડોદરાથી આવતી-જતી ફલાઇટોના ભાડા પણ આડેધડ વસુલવામાં આવી રહ્યા છે.
રાજકોટથી ઉપડતી સાપ્તાહિક અને દૈનિક ટ્રેનો હાઉસ ફૂલ
ભારતની સૌથી મોટી એરલાઇન્સ કંપનીમાંની એક, ઇન્ડિગોએ આજે દેશભરમાં 200 થી વધુ સ્થાનિક ફ્લાઇટ્સને 7 ડીસેમ્બર સુધી રદ કરી છે. એરલાઇને જણાવ્યું હતું કે, ક્રૂ સભ્યોની અછત, ટેકનિકલ સમસ્યાઓ અને એરપોર્ટ પર મુસાફરોની ભીડ સહિતના વિવિધ કારણોસર ઇન્ડિગોને ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. દેશભરમાં ફ્લાઈટ એકાએક રદ થવાને કારણે હજારો મુસાફરોને અસુવિધા થઈ હતી, બીજી તરફ ફ્લાઈટો રદ થતા અન્ય એરલાઇન્સ કંપનીએ માનવતા નેવે મૂકી ભાડામાં ઉઘાડી લુંટ ચલાવી ભાડામાં પાંચ ગણો વધારો કરી દીધો હતો. હવાઈ સેવા ખોરવાઈ જતા લોકોએ રેલ્વે માર્ગે મુસાફરી કરી હોય જેને કરને રેલ્વેની ટ્રેનોમાં પણ મુસાફરોની ભીડ વધી જતા મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે. રાજકોટથી ઉપડતી મુંબઈ,દિલ્હી,પુના,કોલકતા અને હૈદરાબાદ સહિતની ટ્રેનોમાં એકા એક નો-રૂૂમના મેસેજ આવી ગયા છે. રાજકોટ થી ઉપડતી સાપ્તાહિક અને દૈનિક ટ્રેનોમાં સ્લીપર ક્લાસ, થ્રી ટાયર અને સેક્ધડ એસી કોચમાં વેઇટિંગ જોવા મળ્યું રહ્યું છે.