ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુ
ખંભાળિયા - જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પ્લેટિનમ હોટલ નજીકથી જામનગર તરફ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 05 જે.ક્યુ. 2885 નંબરના ટાટા જેસ્ટ મોટરકારના ચાલકે આ માર્ગ પર જે.કે. 02 બી.એસ. 3580 નંબરના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયા તરફ દૂધ તથા શાકભાજી લેવા માટે જઈ રહેલા એરફોર્સના જવાન સોહમસિંગ સુખદેવસિંહને પાછળથી ઠોકરે લેતા તેમને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ ભારતીય સેનાના નાયબ સુબેદાર બાલાસાહેબ બાપુ ચૌધરી (ઉ.વ. 50, રહે. મૂળ સોલાપુર - મહારાષ્ટ્ર, હાલ જામનગર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ધમકી
ખંભાળિયામાં સોનલ માતાજીના મંદિરની બાજુમાં રહેતા જીતુભાઈ જીવાભાઈ મુંધવા નામના 30 વર્ષના યુવાને નવઘણ રણમલ મોવર નામના શખ્સ સામે કોઈ બાબતે બોલાચાલી કરી, ધમકી આપવા સબબ નવઘણ મોવર સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
