અમદાવાદની જગન્નાથજી રથયાત્રા પરંપરાગત માર્ગે જ નીકળશે
કાલુપુર ડાયવર્ઝન એક દિવસ માટે ખોલવામાં આવશે, મીટિંગોના લાંબા દોર બાદ લેવાયેલો નિર્ણય
અમદાવાદ શહેરની આસ્થા અને ગૌરવ સમા ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તેના રૂૂટને લઈને ચાલી રહેલો વિવાદ આખરે થાળે પડ્યો છે.
કાલુપુર પાસેના નવા મેટ્રો ફ્લાયઓવરના નિર્માણકાર્યને કારણે ઊભી થયેલી અવરોધ અંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટ, અમદાવાદ મહાનગરપાલિકા (AMC), મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે સમાધાન થયું છે. આ નિર્ણય મુજબ, અષાઢી બીજના પવિત્ર દિવસે રથયાત્રા માટે કાલુપુર ડાયવર્ઝનને એક દિવસ માટે ખોલવામાં આવશે, જેથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા પોતાના પરંપરાગત અને ઐતિહાસિક રૂૂટ પરથી જ ભક્તિભાવપૂર્વક પસાર થશે. આ સમાચારથી લાખો ભક્તોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.
કાલુપુર રેલવે સ્ટેશન નજીક ચાલી રહેલા મેટ્રો ફ્લાયઓવરના બાંધકામને કારણે રથયાત્રાના મૂળ રૂૂટ પર અવરોધ સર્જાયો હતો. આ મુદ્દે મંદિર ટ્રસ્ટ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે સંબંધિત સરકારી એજન્સીઓ અને પોલીસ તંત્ર વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી.આ બેઠકોના અંતે, રથયાત્રાના દિવસે નીચે મુજબની વિશેષ રૂૂટ વ્યવસ્થા અને સંબંધિત એજન્સીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે:
નવો પ્રસ્તાવિત રૂૂટ (કાલુપુર ખાતે): રથયાત્રા પંચકુવા દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશન તરફ જશે. ત્યારબાદ કાલુપુર રેલવે સ્ટેશનની સામેની તરફના રોડ (કાલુપુરથી સારંગપુર જવાનો રસ્તો) પર ખસેડવામાં આવશે અને ફરીથી રેલવે વર્ક પિયર નંબર 24થી મોતી મહેલ રેસ્ટોરન્ટ તરફ જશે.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની જવાબદારીમા રથયાત્રાના દિવસે રૂૂટ પરથી રસ્તામાં પડેલા પથ્થરો ખસેડવા, રેલિંગ તોડી પાડવી, બે મોટા વૃક્ષો કાપવા અને રથને સરળતાથી પસાર કરવા માટે બિટ્યુમિનસ મટિરિયલ વડે રોડ પેચવર્ક કરવાનું રહેશે જયારે પોલીસની જવાબદારીમા રથયાત્રાના રૂૂટની સત્તાવાર જાહેરાત કરવી, ફક્ત રથયાત્રાના દિવસ માટે નકશા મુજબ રોડ ડાયવર્ઝન ખોલવા માટે પરવાનગી અને સંકલન કરવું, તથા નિર્ધારિત રૂૂટ મુજબ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવો.
DRAIPL (મેટ્રો રેલની બાંધકામ એજન્સી)ની કામગીરીમા રથયાત્રાના દિવસે ટ્રાફિક અવરોધો દૂર કરવા, રથયાત્રાના અંદરના રૂૂટના રસ્તાની સફાઇ કરવી અને બાંધકામ સામગ્રી ખસેડવી. જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાંથી રથયાત્રા સરળતાથી પસાર થઈ શકે તે સુનિશ્ચિત કરવાની અને રથયાત્રાના દિવસે જરૂૂરી સ્ટાફ ગોઠવવાની જવાબદારી પણ તેમની રહેશે.
અમદાવાદની રથયાત્રાનો ઇતિહાસ ફક્ત ધાર્મિક જ નહીં, પણ રાષ્ટ્રીય ચેતના સાથે પણ જોડાયેલો છે. અંગ્રેજોના સમયમાં, જુદા-જુદા અખાડાઓના યુવાનો પોતાના ઉસ્તાદોના માર્ગદર્શન હેઠળ રથયાત્રામાં ત્રિરંગા લહેરાવીને રાષ્ટ્રીય ભાવના જગાવતા હતા.
1946ની રથયાત્રા સમયે તો, માનવતાની રક્ષા માટે વસંતરાવ અને તેમના સાથી મિત્ર રજબ અલીએ પોતાના પ્રાણનું બલિદાન પણ આપ્યું હતું. આ વર્ષે પણ રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થાય તેવી સર્વત્ર આશા છે.