ભાજપ સંગઠન અને સરકારમાં અમદાવાદનો દબદબો
મુખ્યમંત્રી બાદ પ્રદેશ અધ્યક્ષ પણ અમદાવાદના ધારાસભ્યને બનાવાતા સૌરાષ્ટ્રના દાવેદારો નિરાશ
આક્રમક પાટીલ યુગ પૂરો, હવે શાંત સ્વભાવના જગદીશ વિશ્ર્વકર્માની પાલિકાઓની ચૂંટણીમાં થશે અગ્નિ પરીક્ષા
લોકોમાં પ્રવર્તતી નારાજગી અને કાર્યકરોનો અસંતોષ મુખ્ય પડકાર, સૌરાષ્ટ્રમાં વધુ કપરા ચઢાણ
ગુજરાત ભાજપના અધ્યક્ષ અંતે પાંચ વર્ષ 74 દિવસ બાદ બદલાયા છે અને રાજ્યના મુખ્યમંત્રી બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના ધારાસભ્યને બનાવવામાં આવતાં સરકાર અને સંગઠન ઉપર અમદાવાદનું એક ચક્રી શાસન સ્થપાયું છે.
રાજ્યના મુખ્યમંત્રી ઘાટલોડીયાના ધારાસભ્ય છે જ્યારે નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ નિકોલના ધારાસભ્ય છે. ધારાસભ્યપદે આ તેમની ત્રીજી ટર્મ છે. અગાઉ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખપદે 2015 થી 2021 સુધી છ વર્ષ જવાબદારી નિભાવી છે અને 2021ની અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં 192માંથી 160 બેઠકો ઉપર ભાજપના વિજયમાં જગદીશ વિશ્ર્વકર્માની ભૂમિકા મહત્વની રહી હતી. સંગઠનના આ અનુભવના કારણે જ તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવાયા હોવાનું મનાય છે.
જગદીશ પંચાલ ઓબીસી સમાજમાંથી આવે છે તેથી પ્રદેશ અધ્યક્ષ જેવા મહત્વના હોદા પર ઓબીસી ચહેરો મુકીને મુખ્યમંત્રી પદ પાટીદાર અથવા તો સવર્ણ સમાજ માટે ભાજપ હાઈકમાન્ડે નિશ્ર્ચિત કર્યાનું મનાય છે.
જગદીશ વિશ્ર્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બનતા જ ગુજરાતમાંથી પાટીલ યુગ પુરો થયો છે. પાટીલ છેલ્લા 26 મહિનાથી મુદત પુરી થયા બાદ પણ પ્રમુખ પદે યથાવત હતાં. તેમના શાસનમાં સરકાર કરતાં સંગઠન પાવરફુલ બન્યું અને સરકાર ઉપર હાવી રહ્યું હતું. પાટીલના કાળમાં જ ભાજપે વિધાનસભાની 182માંથી 156 બેઠકો મેળવીને ઈતિહાસ રચ્યો હતો.
સી.આર.પાટીલની આક્રમક શૈલી સામે નવા અધ્યક્ષ સૌમ્ય અને સાલીન સ્વભાવના છે ત્યારે આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનાર મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ચૂંટણીમાં તેમની પ્રથમ અગ્ની પરીક્ષા થશે.
ગુજરાતમાં ભાંગેલા રોડ-રસ્તાઓના કારણે પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. વૃધ્ધ મંત્રી મંડળના કારણે સરકારે મતદારો સાથેનો સંપર્ક ગુમાવી દીધા જેવી સ્થિતિ છે. બીજી તરફ સંગઠન અને સરકારમાં કોંગ્રેસી કલ્ચરના કારણે ભાજપના કાર્યકરોમાં પણ અંદરખાને ભારે નિરાશા અને નારાજગી જોવા મળી રહી છે. આવા સંજોગોમાં પ્રદેશ અધ્યક્ષનો કાંટાળો તાજ મળતાં જગદીશ વિશ્ર્વકર્માની અગ્નિ પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિશ્ર્વકર્મા ભાજપના 11માં પ્રદેશ અધ્યક્ષ બન્યા છે.
રાજ્યકક્ષાના મંત્રી: તેઓ હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, જે તેમની રાજકીય કુનેહ અને અનુભવ જગદીશ વિશ્ર્વકર્માની વ્યવસાય અને સંપત્તિ જોઈએ તો રાજકારણની સાથે તેમનો મુખ્ય વ્યવસાય ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેક્ટરિંગનો છે. આર્થિક મોરચે, તેઓ અમદાવાદના સૌથી ધનીક ધારાસભ્યો પૈકીના એક છે. જગદીશ વિશ્વકર્મા રાજકીય સંગઠન, સરકારી કામકાજ અને સામાજિક પ્રભાવનું એક ઉત્તમ સમન્વય છે, જે તેમને ગુજરાતની રાજનીતિમાં એક મજબૂત આધારસ્તંભ બનાવે છે.
સૌરાષ્ટ્ર-રાજકોટનું મહત્વ ઘટી ગયું હવે પ્રધાનમંડળના વિસ્તરણ પર નજર
ગુજરાતનાં રાજકારણમાંથી ધીરે ધીરે સૌરાષ્ટ્રનું મહત્વ ઘટી રહ્યું છે. છેલ્લે વિજયભાઇ રૂપાણીની સરકાર સુધી સૌરાષ્ટ્રનો દબદબો હતો પરંતુ ત્યારબાદ ગાંધીનગરના રાજકારણમાંથી ધીરેધીરે સૌરાષ્ટ્રનો કાંકરો નીકળી ગયો છે. ભુપેન્દ્રભાઇ પટેલની સરકારમાં પણ સૌરાષ્ટ્રના પ્રધાનોને ખાસ મહત્વ આપવામાં આવ્યું નથી. બન્ને નેતાઓ ખુબ સિનિયર છે પરંતુ લોકોમાં કે યુવાનોમાં આ ચહેરા ઉપડતા નથી. માત્ર જ્ઞાતિના સમિકરણોના કારણે પ્રધાનપદ મળ્યા હોય તેવી સ્થિતિ છે.
ગુજરાતના રાજકારણમાં એક સમયે રાજકોટનો વટ હતો. વજુભાઇ વાળા વર્ષો સુધી નાણામંત્રી પદ જેવા નંબર-ટુના સ્થાને રહ્યા. સ્વ. વિજયભાઇ રૂપાણ પણ પ્રદેશ પ્રમુખ અને ત્યારબાદ મુખ્યમંત્રી પદ જેવા મહત્વના હોદાઓ પર રહ્યા. હાલની સરકારમાં રાજકોટના ભાનુબેન બાબરીયા કેબિનેટ મંત્રી છે.
પરંતુ તેમને મહત્વ વગરના ખાતા ફાળવાયા છે.હવે સરકાર અને સંગઠનમાં પણ અમદાવાદનો દબદબો વધ્યો છે. કેન્દ્રમાં નંબર ટુ ઉપર પણ ગાંધીનગરના સાંસદ અમિત શાહનો દબદબો છે ત્યારે રાજયના પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રને કેટલુ મહત્વ મળે છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.હાલ સરકાર સામે સૌથી વધુ નારાજગી પણ સૌરાષ્ટ્રમાં પ્રવર્તે છે. તેનું ઉદાહરણ વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણી છે. આ ચુંટણી બાદ સૌરાષ્ટ્રભરમાં ‘વિસાવદરવાળી’ કરવાનો નારો દિન-પ્રતિદિન બુલંદ બની રહ્યો છે ત્યારે સરકારમાં સૌરાષ્ટ્રને મહત્વ નહીં મળે તો આગામી ચુંટણીમાં ભાજપને કપરા ચઢાણ થઇ શકે તેવું વાતાવરણ છે.
ઓળખો નવા ભાજપ પ્રમુખને
જગદીશ વિશ્વકર્મા (પંચાલ) બીજેપીના કદાવર નેતા છે. હાલમાં જેઓ વર્તમાનમાં રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સહકાર, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ , અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્ત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો, તેઓ નિકોલ વિધાનસભા મતવિસ્તાર (અમદાવાદ) માંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને તેમણે ભૂતકાળમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સંગઠનમાં યોગદાન આપેલું છે.
નોધનિય છે કે, નિકોલ બેઠકના બીજેપીના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ ગત ચૂંટણીમાં તેમના સોગંદનામામાં 29 કરોડ રૂૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. આ આંકડો તેમને અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય બનાવે છે. વ્યવસાયે તેઓ ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ, ડેવલપર્સ અને ઇન્ફ્રા માર્કેટિંગ સાથે જોડાયેલા છે.