અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલા બિશ્ર્વાસ વિમાનમાં પગ મુકતા પણ ડરે છે
લંડન કયારે પરત ફરશે તે નક્કી નથી, મેડિકલ કાઉન્સેલિંગ હજુ પણ ચાલુ
ગુજરાતના અમદાવાદ ઍરપોર્ટથી લંડન જતું એક વિમાન ઉડાન ભર્યા પછી જ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં, એક મુસાફર સિવાય, વિમાનમાં સવાર બધા લોકોના મોત થયા હતા, અને તે એક ચમત્કાર હતો કે 260 લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિનો જીવ બચ્યો હતો.
અમદાવાદ વિમાન દુર્ઘટનાને ત્રણ મહિના વીતી ગયા છે, પરંતુ તે અકસ્માતમાં બચી ગયેલો એકમાત્ર વ્યક્તિ હજી સુધી ઘરે પાછો ફર્યો નથી. તેના પરિવારે કહ્યું છે કે તે કદાચ ક્યારેય બ્રિટન ઘરે પરત ફરી શકશે નહીં.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલો એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશ (40) હતો. આ ઘટના પછી, તેની પત્ની હિરલ અને ચાર વર્ષનો પુત્ર બ્રિટનથી ભારત આવ્યા હતા. અહીં તેઓ વિશ્વાસ કુમાર સાથે રહ્યા, પરંતુ પછી તેઓ થોડા સમય બાદ પાછા ફર્યા હતા પણ હજી સુધી વિશ્વાસ કુમાર ભારતમાં જ છે.
ઉદ્યોગપતિ વિશ્વાસ કુમાર ગુજરાતમાં એક સંબંધીના ઘરે છે. વિશ્વાસ હજી પણ પ્લેન અકસ્માતના આઘાતમાંથી બહાર આવ્યા નથી તેથી તેમનું મેડિકલ કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. તેમના સાળાએ કહ્યું કે તેઓ એટલા આઘાતમાં હતા કે તેમને લંડન કે લેસ્ટરમાં તેમના પરિવારના ઘરે મળવાની અપેક્ષા નહોતી.
વિશ્વાસ કુમાર વિમાનોથી એટલા બધા ડરી રહ્યા છે કે હવે તેમાં ચઢવા માગતા નથી. તેમનો આ ડર તેમને બ્રિટન જતા અટકાવી રહ્યો છે. તેમનો પરિવાર ઇચ્છે છે કે તેઓ બ્રિટન પાછા ફરે પરંતુ વિશ્વાસ વિમાનમાં ચઢવા તૈયાર નથી.