અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસમાં સફળતા, બ્લેક બોક્સનો ડેટા ડાઉનલોડ કરાયો
૧૨ જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 259 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોએ જીવ ગુમાવ્યો હતો. વિમાન દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશ જીવિત બચ્યો હતો. ત્યારે હવે આ પ્લેન ક્રેશની તપાસમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોને મોટી સફળતા મળી છે. સરકારે આજે જણાવ્યું છે કે, વિમાનના બ્લેક બોક્સમાંથી કૉકપિટ વોઈસ રેકોર્ડર (CVR) અને ફ્લાઈટ ડેટા રેકોર્ડર (FDR) સુરક્ષિત કાઢવામાં આવ્યું છે, તેનો ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે અને હવે તેનું વિશ્લેષણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
મંત્રાલયે કહ્યું કે, ૨૪ જૂનના રોજ, ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ (CPM)ને આગળના બ્લેક બોક્સમાંથી સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યું હતું. ૨૫ જૂનના રોજ, મેમરી મોડ્યુલને સફળતાપૂર્વક એક્સેસ કરવામાં આવ્યું હતું અને તેનો ડેટા AAIB લેબમાં ડાઉનલોડ કરવામાં આવ્યો હતો. CVR અને FDR ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે.
મંત્રાલયે વધુમાં કહ્યું કે, આ પ્રયાસોનો હેતુ ઘટનાઓના ક્રમનું પુનર્નિર્માણ, ઉડ્ડયન સલામતી વધારવા અને ભવિષ્યની ઘટનાઓને રોકવા માટે ફાળો આપતા પરિબળોને ઓળખવાનો છે.
શું છે CVR અને FDR?
CVR (કોકપીટ વોઈસ રેકોર્ડર) હોય છે, જેમાં પાઈલટ્સ વચ્ચેની વાતચીત અને કોકપીટનો અવાજ રેકોર્ડ થાય છે, જેનાથી એ જાણી શકાય છે કે, દુર્ઘટના પહેલા શું સ્થિતિ હતી.
FDR (ફ્લાઈટ ડેટા રેકોર્ડર) હોય છે. તે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનની સ્થિતિ, દિશા અને અન્ય તકનીકી માહિતી રેકોર્ડ કરે છે.