અમદાવાદ પ્લેન વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ 2 દિવસ બાદ થશે જાહેર
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ 2 દિવસ પછી જાહેર કરવામાં આવશે. પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ મંત્રાયલની સંસદીય સ્થાયી સમિતિની ગઈ કાલે (નવમી જુલાઈ) બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના ડિરેક્ટર જનરલ જી.વી.જી. યુગંધરે સમિતિને જણાવ્યું હતું કે, 'અમદાવાદ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક રિપોર્ટ થોડા દિવસોમાં જાહેર કરશે.'
નિયમો અનુસાર, અકસ્માતના 30 દિવસની અંદર રિપોર્ટ અપલોડ કરવાનો હોય છે. સમાચાર એજન્સી PTI એ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
12મી જુલાઈએ આ વિમાન દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થશે. ત્યારે AAIBએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને કોઈ પ્રારંભિક રિપોર્ટ સુપરત કર્યો નથી. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઇઝેશન (ICAO) નિયમ અનુસાર, AAIB અકસ્માતના 30 દિવસની અંદર મંત્રાલયને પ્રારંભિક અહેવાલ સુપરત કરી શકે છે. AAIBના અધિકારીઓએ સમિતિને જણાવ્યું હતું કે, 'ભારતમાં ક્રેશ થયેલા વિમાનના બ્લેક બોક્સની તપાસ પહેલી વાર થઈ રહી છે. બ્લેક બોક્સ અને વોઇસ રૅકોર્ડર સુરક્ષિત છે. ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.'
12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. 270 લોકો માર્યા ગયા હતા, જેમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચ્યો હતો.