અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ઓખા સુધી લંબાવવામાં આવી
પશ્ચિમના છેવાડાના વિસ્તાર તેમજ અનેકવિધ પ્રાચીન ધર્મ સ્થળો સાથે વિશ્વવિખ્યાત બની રહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલારના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી રેલવે તંત્ર દ્વારા વધુ એક મહત્વની સુવિધા આપવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસના ઓખા સુધીના વિસ્તરણને લીલીઝંડી દેખાડશે. ટ્રેન નંબર 09426 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસની શરૂઆતની ઉદ્ઘાટનની ટ્રીપને તા. 12 માર્ચના રોજ દ્વારકાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન બુધવાર તારીખ 13 થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી સાંજે 6:10 વાગ્યે ઉપડશે, દ્વારકા આ જ દિવસે રાત્રે 11:54 વાગ્યે પહોંચીને 11:59 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 00:40 વાગ્યે ઓખા પહોંચશે. તેવી જ રીતે, રિટર્ન માં ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન તા. 14 માર્ચથી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન ઓખાથી બુધવાર સિવાય દરરોજ 3:40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 4:05 વાગ્યે દ્વારકા પહોંચીને 4:10 વાગ્યે ઉપડશે. જે 10:10 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. ઉપરાંત, બંને દિશામાં જામનગર અને અમદાવાદ વચ્ચેના કોઈપણ સ્ટેશનના આગમન-પ્રસ્થાનના સમયમાં અથવા સ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે. તેમ રેલવે સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકા માટે સાંસદ પુનમબેનના પ્રયાસોથી મળેલી વંદે ભારત ટ્રેનની આ સુવિધા ખૂબ જ સાનુકૂળ અને સગવડતાભરી બની રહેશે. જે બદલ રેલવે સલાહકાર બોર્ડના સદસ્ય ચંદુભાઈ બારાઈ તથા દ્વારકાના અગ્રણી વિજયભાઈ બુજડે આવકારી, તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.