કાલથી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સચિવાલય સુધી દોડશે
અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો માટે સુવિધાજનક અને ઝડપી પરિવહનના ક્ષેત્રમાં એક મોટો ઉમેરો થયો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે મેટ્રો ટ્રેન સેવાનું વિસ્તરણ કરીને તેને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવી છે. આ વિસ્તરણ સાથે જ, આ મહત્વપૂર્ણ રૂૂટ પર મુસાફરીને વધુ સુગમ બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ નવી મેટ્રો સેવાનો શુભારંભ રવિવાર, તા. 27 એપ્રિલ, 2025 થી થશે.
હવેથી મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેશનથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10એ અને છેલ્લે ગાંધીનગરના સચિવાલય સુધી પહોંચશે. આ સાત નવા સ્ટેશનો આ વિસ્તારોના મુસાફરો માટે સીધી અને ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે, જેનાથી અમદાવાદ અને ગાંધીનગરના આ મુખ્ય સ્થળો વચ્ચેની મુસાફરી વધુ સરળ બનશે.
સચિવાલય સુધી મેટ્રો સેવાનું વિસ્તરણ અને નવા સ્ટેશનોનો ઉમેરો એ સુગમ, ઝડપી અને પર્યાવરણલક્ષી પરિવહનની દિશામાં એક આવકારદાયક અને મહત્વપૂર્ણ પગલું છે. આનાથી વધુને વધુ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ શકશે અને શહેરો વચ્ચે મુસાફરી કરતી વખતે ટ્રાફિકની સમસ્યાથી રાહત મેળવી શકશે. મેટ્રો સેવાનું આ વિસ્તરણ માત્ર મુસાફરીને સરળ જ નહીં બનાવે પરંતુ જાહેર પરિવહનનો ઉપયોગ વધારવાથી પર્યાવરણની જાળવણીમાં પણ મદદરૂૂપ થશે.
આ નવા રૂૂટ અને સ્ટેશનો પર મેટ્રો ટ્રેનના સમયપત્રક (ટાઈમ ટેબલ) વિશેની વિગતવાર માહિતી GMRC ની સત્તાવાર વેબસાઇટ https://www. gujarat metrorail.comપર શનિવાર, આજથી ઉપલબ્ધ થશે. મુસાફરો વેબસાઇટની મુલાકાત લઈને નવા રૂૂટ પર મેટ્રોના સમય વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકશે.