ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા અમદાવાદ DEOનો આદેશ
સુરતમાં ધો. 8 માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળાની વિદ્યાર્થીનીએ ભાવના ખટકે આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઇ અમદાવાદ DEOએ તમામ શાળાઓમાં આદેશ જાહેર કર્યો હતો. જેમાં ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા આદેશ કરવામાં આવ્યો છે.
આ આદેશમાં ફી બાબતે વિદ્યાર્થીઓ સાથે કોઇ જાતની ચર્ચા ન કરવા સૂચના અપાઇ છે. જેમાં કોઇ વિદ્યાર્થીની ફી બાકી હોય તો વિદ્યાર્થી સાથે ચર્ચા ન કરવા શાળાઓને જણાવવામાં આવ્યું છે. ફીના આદેશ અંગે DEOરોહિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ફી બાકી હોય તો અન્ય વિદ્યાર્થીઓ સામે ફીની માંગણી કરવી યોગ્ય નથી. વિદ્યાર્થીઓ પાસે નહીં વાલીઓ પાસે ઉઘરાણી કરવી જોઇએ. ફી બાકી હોય તો પરીક્ષામાં બેસવા ન દેવા તે પણ ગેરકાયદેસર છે. ત્યારે જે શાળા ફી બાબતે વિદ્યાર્થીઓ પર દબાણ કરશે તો તેની સામે કાર્યવાહી થશે તેવું તેઓએ જણાવ્યું હતું.