અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખની ગાળાગાળી, ઓડિયો વાઈરલ
ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તનતોડ મહેનત કરી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચેના આંતરિક વિખવાદો દૂર થઈ રહ્યા નથી. આ વચ્ચે અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝીલ શાહના બે વિવાદ સામે આવ્યા છે.ઝીલ શાહે પોતાના જ કાર્યકર્તાને સોશિયલ મીડિયામાં ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખના ફોટો પર અભિનંદન આપતી કોમેન્ટ કરવા બાબતે ધમકાવ્યો હતો છે, જેના સ્ક્રિનશોટ પણ સામે આવ્યા છે. આ સાથે જ વ્યાજે આપેલા પૈસાને લઈને પણ ઝીલ શાહે અજાણ્યા વ્યક્તિ સાથે ફોન પર બોલાચાલી કરી બેફામ ગાળાગાળી કરી હતી, જેનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.ઝીલ શાહની વાઇરલ ઓડિયો ક્લિપમાં દરીયાપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર માધુરીબેન કલાપીના પતિ ધ્રુવ કલાપીએ તને શીખવાડ્યું છે, એમ કહીને ઝીલ શાહ સામેની વ્યક્તિને ગાળો આપીને ધમકી પણ આપે છે. સમગ્ર ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અમદાવાદ શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ ઝીલ શાહે દરિયાપુર વિસ્તારના જ કાર્યકર્તા એવા સાગર ડબગર નામના યુવકને સોશિયલ મીડિયામાં કોમેન્ટ બાબતે ધમકાવ્યો હતો. આ મામલે સાગર ડબગરે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ઝીલ શાહ સામે અરજી પણ કરી છે.સાગર ડબગરે જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ સોનલબેન પટેલની નિમણૂંક થતા ફાલ્ગુનભાઈ મળવા ગયા હતા. આ સમયે મેં સોશિયલ મીડિયામાં તેના માટે અભિનંદનનો મેસેજ કર્યો હતો, જેને લઈને ઝીલ શાહ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ સાથે મારા ઘરે આવીને બોલાચાલી કરી મારામારી પણ કરી હતી.જ્યારે દરિયાપુરમાં પૈસા વ્યાજે આપવાના વિવાદ અંગે વાત કરીએ તો વ્હોટ્સએપના સ્ક્રિનશોટ સાથે જ અન્ય એક ઓડિયો ક્લિપ પણ વાઈરલ થઈ છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયો ક્લિપ મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ ઝીલ શાહ પર વ્યાજે પૈસા આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાઇરલ ઓડિયોમાં ઝીલ શાહ બેફામ રીતે સામેવાળી વ્યક્તિ સાથે ગાળા ગાળી કરી રહ્યા છે.