અક્ષર સ્કૂલમાં અમદાવાદવાળી થતા સહેજમાં અટકી
સાથી વિદ્યાર્થીએ અન્ય બાળકનું ગળુ દબાવી બેંચ સાથે માથું ભટકાડ્યું: સ્કૂલ છાવરતી હોવાનો વાલીનો આક્ષેપ
શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં હિંસક પ્રવૃત્તિમાં વધારો થયો છે. છાશવારે મારામારીના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદની ખાનગી શાળામાં છાત્રની હત્યા થઇ હતી તેવો જ બનાવ રાજકોટની ખાનગી શાળામાં બનતા સહેજમાં અટકયો છે. આથી વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીનું ગળુ દબાવી અને બેંચ સાથે માથુ ભટકાડયું હોવાના આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો છે.
વાલીએ ડીઇઓને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે અમારૂ બાળક ધો.5 ઇ.મીડીયમ અક્ષર સ્કુલમાં અભ્યાસ કરે છે અને 2 વર્ષ પહેલાં એને પગમાં ઓર્થોપેડીક સર્જરી કરાવેલ છે. હાલમાં તા.24-9-2025માં બનેલ બનાવ મુજબ સાથી બાળક દ્વારા અમારા બાળકના શારિરીક સર્જરીવાળા પગ માટે અપશબ્દ બોલેલ હતા અને અમારા બાળકે સામે જવાબ આપીને વાત પુરી કરી દીધેલ હતી.
છતાંય સાથી બાળક દ્વારા રિસેસ થતાં જ અમારૂં બાળક જે પહેલી બેચ પર બેઠું હતું એની જગ્યાએ જઇને ગળુ પકડેલ હતું અને સાથે એનું માથું બેન્ચ પર પટકેલ હતું. હુમલામાંથી અમારા બાળકને છોડાવવા કલાસનાં બીજા વિદ્યાર્થી આવી જતા છતાંય એ મારા બાળકને છોડતો ન હતો.
આ તમામ ઘટના સીસીટીવી ફુટેજમાં રેકોર્ડ થયેલ છે. છતાંય સ્કુલનાં ટ્રસ્ટી વઘાસીયા તરફથી અમને યોગ્ય સહકાર મળ્યો નથી અને અમારૂં બાળક જે ભણવા સાથે બીજી પ્રવૃતિમાં હોંશીયાર છે અને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે. અમને દબાણ કરવામાં આવ્યું કે 6 મહીના માટે અમે અમારા બાળકને બીજી શાળામાં મુકી દઇએ, બીજી બધી પ્રવૃતિ બંધ કરાવી દઇએ અને સાથી વિદ્યાર્થીને બધી રીતે સહકાર આપેલ છે.
અમારી ભુલ ન હોવા છતાંય અમને શાળા વર્ષના અડધેથી સ્કુલ બદલવાનું દબાણ કરી રહી છે. જે યોગ્ય નથી અને અમારા બાળકની સુરક્ષા જાળવવામાં સ્કુલ અસફળ રહી છે. સીસીટીવી ફુટેજ સ્કુલ અમને આપી નથી રહી અને આ બનાવ બતાવવા માટે અમનોે 2.5 કલાક સુધી બીજી વાત કરીને અમને બેસાડી રાખેલ હતા. અમો વિનંતી કરીએ કે આ બાબતે કાયદાકીય કાર્યવાહી થાય અને અમને ન્યાય મળે તથા બીજા બાળક અમારા બાળકની જેમ ભોગ ન બને.