અમદાવાદથી-ભીલવાડા જતી સ્લીપર બસનો અકસ્માત, 3ના મોત
રાજસમંદમાં કાંકરોલી-ભીલવાડા રોડ પર એક બસ પલટી ખાતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 24 જેટલા લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘટનાની માહિતી મળતા જ કાંકરોલી પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આજે સવારે અમદાવાદથી ભીલવાડા જતી સ્લીપર બસનો ભાવા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો છે. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ અન્ય બે દર્દીઓને ઉદયપુર રિફર કરવામાં આવ્યા. અકસ્માતનો ભોગ બનેલી સ્લીપર બસનો નંબર મધ્યપ્રદેશનો હતો અને તેના પર શ્રી દેવ લખેલું હતું, કદાચ ટ્રાવેલ કંપનીનું નામ. બસનો આગળનો કાચ તૂટી ગયો છે અને કંડક્ટરની બાજુનો ભાગ અંદરની તરફ કચડી ગયો છે. રસ્તા પર કાચના ટુકડા પથરાયેલા છે અને બસનું એક ટાયર ડિવાઇડર પર પડેલું છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે, જેમને સ્થળ પર જ સારવાર આપીને રવાના કરવામાં આવ્યા હતા. ત્રણેય મૃતકોના મૃતદેહને શબઘરમાં ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઇવરને ઝોકું આવવાના કારણે આ અકસ્માત થયો હતો. બસ કાંકરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખૂબ જ ઝડપે પસાર થઈ રહી હતી અને તેમાં પાર્સલ ભરેલા હતા. બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી વખતે, ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ, જેના કારણે બસ નિયંત્રણ બહાર ગઈ, ડિવાઇડર સાથે અથડાઈ અને પલટી ગઈ. આ અકસ્માતમાં બસમાં સૂઈ રહેલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ક્રેનની મદદથી બસને એક બાજુ ખસેડીને ટ્રાફિક પૂર્વવત કર્યો છે. મૃતકોના સંબંધીઓને જાણ કરવામાં આવી છે અને તેમના આગમન પર, ત્રણેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવશે.