રૂપાલા સામેનું આંદોલન ચાલુ રહેશે: કરણીસેના
- સુરેન્દ્રનગરમાં કાલે સાંજે ફરી ક્ષત્રિય સંમેલનનું આયોજન: ગોંડલના શેમળા ખાતે મળેલી બેઠકમાં માત્ર રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં: વીરભદ્રસિંહ જાડેજા
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી અભદ્ર ટિપ્પણીના પગલે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિવાદનો અંત લાવવા માટે ગઈકાલે ગોંડલના સેમળા ખાતે રાજકીય નેતાઓની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં સમાજને સાથે લીધા વગર જ રાજકીય નેતાઓએ સમાધાનની જાહેરાત કરી દીધી હતી. જેની સામે સોશ્યલ મીડિયામાં ભારે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે મોડી રાત્રિના કરણીસેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ અને આંદોલન ચાલુ હોવાની જાહેરાત કરી છે અને જ્યાં સુધી ટિકીટ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ કહ્યું હતું.
બીજી બાજુ પરસોત્તમ રૂપાલા સામે આંદોલન ચાલુ રાખવા માટે આવતીકાલે રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા સંમેલન બોલાવવાની જાહેરાત કરી છે. સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની વાડી ખાતે આ સંમેલન મળનાર છે જેમાં પરસોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનથી ક્ષત્રિય અસ્મીતાને ભારોભાર ઠેસ પહોંચી હોય અને હજુ ક્ષત્રિય સમાજનો આક્રોશ આસમાને હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક જાહેરસભામાં ક્ષત્રિય સમાજની અભદ્ર ટિપ્પણી કરી હતી. જેનો રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના શહેરોમાં ક્ષત્રિય સમાજને જુદી જુદી સંસ્થાઓની મીટીંગ મળી હતી. જેમાં પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે આંદોલન શરૂ કર્યુ છે.બીજી બાજુ આ આંદોલનનો અંત લાવવા માટે ગઈકાલે ગોંડલના સેમળા ખાતે રાજકીય નેતાઓ દ્વારા એક મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં પરસોત્તમ રૂપાલાએ બીજી વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. આ તકે રાજકીય નેતાઓ દ્વારા આંદોલન પૂર્ણ થઈ ગયાની જાહેરાતો કરી દીધી હતી. જેની સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
ક્ષત્રિય સમાજનાં ભાજપના આગેવાનોએ ભાજપના ઉમેદવાર રૂપાલા સાથે બેસીને વિવાદનો અંત લાવી દીધાની જાહેરાત કરી છે. પરંતુ ક્ષત્રિય સમાજમાં હજુ આ બાબતે રોષ પ્રર્વતી રહ્યો છે અને સોશ્યલ મીડિયામાં પણ આ સમાધાનનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો હોવાથી આગામી દિવસોમાં આ મુદ્દો વધુ સળગે અને રાજકોટ ભાજપના ઉમેદવાર બદલવાની માંગણી યથાવત રહે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સેમળા ખાતે મળેલ મીટીંગમાં રાજકીય નેતાઓ જ હોવાનું આક્ષેપ કરી કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજાએ પરસોત્તમ રૂપાલા સામેનું આંદોલન ચાલુ જ રહેશે તેવી જાહેરાત કરી હતી અને હવે કરણી સેનાના કાર્યકરો અને યુવાનોને ડબલ જોશથી કામે લાગી જવા અનુરોધ કર્યો છે. કરણી સેનાના અધ્યક્ષે જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજની જુદી જુદી 90 સંસ્થાઓની મીટીંગ મળી હતી. જેમાં જે એજન્ડા નક્કી થયો છે તે મુજબ પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે આંદોલન ચાલુ રહેશે તેમ કહ્યું હતું.
રૂપાલાની ટિકિટ કેન્સલ કરો: પાટીલ ઉપર ફોનનો મારો
ગઈકાલે ગોંડલમાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મહાઉસ ગણેશગઢ પર મીટીંગમાં લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ માફી માગ્યા બાદ પણ વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યું અને આજે પણ ક્ષત્રિય સમાજના અલગ અલગ વોટસએપ ગ્રુપમાં આ વિવાદને લઈને અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. એક પોસ્ટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ફોન નંબરને લઈને ટીપ્પણી કરાઈ રહી છે કે દરેક રાજપૂતો સી. આર. પાટીલને ફોન કરીને કહે કે ‘ હું રાજપુત ક્ષત્રિય બોલું છું, રૂપાલાની ટીકીટ કેન્સલ કરો’ બસ આટલું જ કહેવાનું ..... આનો ફોન સ્વિચ ઓફ થઈ જવો જોઈએ.