નુકસાની જતાં એજન્સીઓ ગાયબ: 24 પે એન્ડ પાર્કિંગ માટે ત્રીજુ ટેન્ડર
આડેધડ પાર્કિંગ કરતા લોકોને પાર્કિંગની ટેવ પાડવામાં તંત્ર ઉણૂ ઉતર્યુ, બબ્બે ટેન્ડર કર્યા તો પણ કોન્ટ્રાક્ટરોએ હાથ ન પકડ્યો
શહેરમાં ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ આડેધડ થતાં પાર્કિંગ જવાબદાર છે. જેથી મહાનગરપાલિકાએ અલગ અલગ વિસ્તારોમાં પે એન્ડ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરી છે. પરંતુ શહેરીજનોને પાર્કિંગ માટે પૈસા ચુકવવા પડે તે વ્યાજબી ન લાગતા આજ સુધી અપાયેલા પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટરો નુક્શાની કરી રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં પે એન્ડ પાર્કિંગ માટે મહાનગરપાલિકાએ બબ્બે વખત ટેન્ડર પ્રક્રિયા કરી છતાં એક પણ એજન્સીએ હાથ ન જાલતા હવે ત્રીજી વખત 24 પાર્કિંગ માટે ટેન્ડર કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરની અલગ અલગ સાઈટો ઉપર પે એન્ડ પાર્કિંગ ઉપર વ્યવસ્થા માટે ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં સેન્ટ્રલઝોનમાં જ્યુબેલી શાકમાર્કેટ તથા હોસ્પિટલ ચોકથી જામનગર રોડ બ્રીજ નીચે તથા મોચીબજાર કોર્ટ પેટ્રોલપંપ પાસે લાખાજીરાજ રોડ, રાષ્ટ્રીય શાળા પાસે, રેલવે ઓવરબ્રીજ પાસે, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, નહેરુનગર 80 ફૂટ રોડ સહિતના સ્થળો તેમજ વેસ્ટઝોનમાં રામદેવપીર ચોકડીથી શિતલ પાર્ક જતાં બ્રીજ નીચે તેમજ શિતલપાર્ક ચોક સાઈડ બ્રીજ નીચે તેમજ નાણાવટી ચોક બાજુ બ્રીજ નીચે અને નાણાવટી ચોક સામેની બાજુ બ્રીજ નીચે કે.કે.વી. ચોક બીગબજાર સાઈટ બ્રીજ નીચે, નાના મૌવા ચોક બીગબઝાર સાઈટ બ્રીજ નીચે, બાલાજી હોલ સાઈટ બ્રીજ નીચે, રૈયા સર્કલ નાણાવટી ચોક ઈસ્ટ બાજુ ઈન્દિરા સર્કલ રૈયા ટેલિફોન એક્સચેન્જ સાઈડ બ્રીજ નીચે, સત્યસાંઈ મેઈન રોડ, આત્મીય કોલેજ ગેટ સામે બ્રીજ નીચે, શ્રીજી હોટલ રોયલપાર્ક મેઈન રોડ બાજુ બ્રીજ નીચે, પંચાયત નગર ચોકમાં મનપાના પ્લોટ ઉપર કે.કે.વી. મલ્ટીલેવલ બ્રીજ, જયસીયારામ ચા વાળા રોડ ઉપર, ઈન્દિરા સર્કલ રૈયા ટેલિફોન એક્સચેન્જ સાઈડ બ્રીજ નીચે, પુષ્કરધામ સાઈડ બ્રીજ નીચે, મવડી ચોકડીથી ગોંડલ ચોકડી જતાં રોડ ઉપર બ્રીજ નીચે, મારવાડી સર્કલથી ગોંડલ તરફ જતાં બ્રીજ નીચે સહિત 28 સ્થળે પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
નવી પાર્કિંગ પોલીસી મુજબ ભાવ પત્રક
દ્રી ચક્રિય વાહનો માટે રૂા. 5, 10, 15, 20, 25
ત્રી ચક્રિય વાહન માટે રૂા. 10, 15, 20, 25, 30
મોટર કાર રૂા. 20,30, 50, 60, 80,
એલસીવી રૂા. 20, 30, 60, 80, 100
એચસીવી રૂા. 40, 50, 70, 100, 120,
કાર સહિતના હળવા વાહનો માટે માસિક રૂા. 600
દ્રી ચક્રિય વાહનો માટે માસિક રૂા. 350
હેવી કોમર્શીયલ વાહનો માટે માસિક રૂા. 1200
ઉપરોક્ત ભાવ પત્રક ત્રણ કલાકથી 24 કલાક સુધીનું છે.
પૈસા ખર્ચીને જોખમ લેવા કોઈ તૈયાર નથી
મહાનગરપાલિકા દ્વારા પે એન્ડ પાર્કિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેનો ઉપયોગ લોકો બહુ ઓછી માત્રામાં કરતા હોવાનું બહાર આવ્યું છે. કારણ કે, આજે પ્રસિદ્ધ થયેલ 28 સાઈટનું ટેન્ડર ત્રીજી વખત કરવામાં આવ્યું છે. નુક્શાનીના કારણે કોઈ એજન્સી ટેન્ડર ભરવા તૈયાર નથી જેની સામે લોકો પૈસા ખર્ચીને જોખમ વહરવા પણ તૈયાર નથી તેવી અનેક લોકોએ જણાવ્યું હતું. પે એન્ડ પાર્કિંગમાં ફી ચુકવી વાહન રાખવામાં આવે ત્યારે આ વાહનની જવાબદારી પે એન્ડ પાર્કિંગના સંચાલકની હોય છે. પરંતુ અગાઉ અમુક કિસ્સામાં પે એન્ડ પાર્કિંગમાંથી વાહનની ચોરી થઈ ગયા બાદ સંચાલકે હાથ ઉંચા કરી દીધા હતાં. આથી પૈસા ચુકવીને કોઈ જોખમ લેવા તૈયાર ન હોય પે એન્ડ પાર્કિંગની યોજનાનો ફિયાસકો થયો હોવાનું જાણકારો કહી રહ્યા છે.