વડોદરા બાદ માંગરોળમાં તૂટ્યો પુલ!! બ્રિજનું રિપેરિંગ કરતી વખતે બની ઘટના, 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા
વડોદરા બાદ હવે જૂનાગઢમાંથી બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના આજક ગામે પુલ તૂટતા દોડધામ મચી ગઇ હતી. આત્રોલીથી કેશોદ તરફ જતા રોડ પર પુલ તૂટ્યો હતો. પુલના સમારકામ દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટનામાં હીટાચી મશીન સાથે આઠથી વધુ લોકોનદીમાં ખાબક્યા હતા. સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે.
મળતી માહિતી અનુસાર માંગરોળ તાલુકાના આજક ગામે પુલ તુટ્યો હતો. પુલના સ્લેબ પર આઠ-દસ લોકો પણ ઉભા હતા, જે સ્લેબ તૂટી પડતાં સીધા નદીમાં ખાબક્યા સ્થાનિકોએ તમામને બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી. ગ્રામજનોએ આ તમામ લોકોને દોરડા વડે બહાર કાઢ્યા હતા. આ મામલે ધારાસભ્યનું કહેવું છે કે આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેને તોડવાનો જ હતો. જોકે તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તે તૂટી પડ્યો હતો.
આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જોવા મળે છે કે પુલનો સ્લેબ તૂટતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.