ઉત્તરાખંડ પછી ગુજરાત: સમાન નાગરિક કાયદો દેશભરમાં લાગુ કરવામાં વિલંબ શા માટે!
ઉત્તરાખંડમાં તમામ નાગરિકો માટે એક સરખા અંગત કાયદા માટેના યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો અમલ શરૂૂ થઈ ગયો પછી ભાજપ શાસિત ગુજરાત પણ જાગ્યું છે. ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા માટે કમિટીની રચનાની જાહેરાત કરાઈ છે. મંગળવારે બપોરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરીને યુસીસી માટે સમિતિ બનાવવાનું એલાન કરી દીધું.
ગુજરાત સરકાર યુસીસી મામલે બહુ મોડી મોડી જાગી છે કેમ કે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપે યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ગજવીને ચૂંટણીઢંઢેરામાં યુસીસી લાવવાનું વચન આપ્યું હતું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ એ પહેલાં જ ભાજપે યુનિફોર્મ સિવિલ કોડ કાર્ડ કાર્ડ ખેલી નાખેલું.
આ સમિતિમાં ત્રણ કે ચાર બંધારણીય અને કાનૂની નિષ્ણાત હશે. સમિતિ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો કે નહીં અને લાગુ કરવો હોય તો કેવી રીતે કરવો તેની ભલામણો કરશે.
ગુજરાતમાં ભાજપ સત્તામાં આવી ગયો એ વાતને બે વર્ષથી વધારે સમય થઈ ગયો પણ ભાજપ યુનિફોર્મ સિવિલ કોડની વાત જ નહોતો કરતો. હવે ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ થઈ ગયો પછી ગુજરાતમાં પણ ભાજપ સફાળો જાગ્યો છે અને સમિતિ બનાવી છે.
ગુજરાત સરકારે મોડે મોડે પણ યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવાનું નક્કી કરીને સારું કર્યું પણ આ બધા પ્રયત્નો અધૂરા મનના છે. વાસ્તવમાં ભાજપે રાષ્ટ્રીય સ્તરે તેનો અમલ કરવાની હિંમત બતાવવી જોઈએ. ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ બંધારણે સ્વીકારેલો સિદ્ધાંત છે. 1956માં સંસદે ઠરાવ કર્યો હતો કે, દેશના તમામ નાગરિકો માટે લગ્ન સહિતની અંગત બાબતોને લગતા કાયદા એકસરખા હોવા જોઈએ. દેશના બંધારણમાં કલમ 44 હેઠળ સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલના સૂચનનો સમાવેશ પણ કરાયો છે. આ સૂચનમાં સ્પષ્ટપણે લખાયું છે કે, દેશના તમામ નાગરિકો માટે એકસરખા પર્સનલ લો હોવા જોઈએ.