સરખેજ ભારતી આશ્રમ વિવાદ બાદ ગુરુવારે આયોજિત મહાભંડારો રદ
હવે માત્ર રૂદ્રીયજ્ઞ કરી ધાર્મીક વિધિ આટોપી લેવાશે; નવા મેનેજરનું એલાન
અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં પૈસા, વહીવટ અને અધિપત્યની લડાઇ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આશ્રમમાં હરિહરાનંદ બાપુએ કમાન સંભાળી બન્ને શિષ્યોને પદ પરથી હટાવતાં આમને સામને ચોંકાવનારા આરોપ પ્રતિઆરોપ થયા છે. આ સમગ્ર વિવાદને અંતે પાંચ સપ્ટેમ્બરે આયોજિત થનાર મહાભંડારાનું આયોજન રદ કરાયું છે.
સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં આગામી પાંચ સપ્ટેમ્બરે આયોજિત થનાર મહાભંડારાનું આયોજન રદ કરાયું છે. જોકે હવે મહાભંડારાના આયોજનને બદલે રુદ્રિયજ્ઞ કરી ગણતરીના લોકો સાથે ધાર્મિક વિધિ સાથે કાર્યક્રમ આટોપી લેવાશે. બીજી બાજુ આશ્રમના વહીવટને લઇ આશ્રમના નવા મેનેજર રામભાઇ ગઢવીએ હરિહરાનં સ્વામીના પદ પરથી હટાવેલા શિષ્ય ઋષિ ભારતી અંગે સવાલ ઉઠાવ્યા છે.
ભારતી આશ્રમના મેનેજરે આશ્રમમાં આવેલ વૃદ્ધાશ્રમના રૂૂમમાં શૌચાલયના દરવાજા ન હોવાનું જણાવી ઋષિ ભારતીના વહીવટ પર સવાલ ઉઠાવ્યા છે. બીજી બાજુ ઋષિ ભારતીના ઓરડામાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવ્યા બાદ ઋષિ ભારતી અને વિશ્વેવરી ભારતી માતાજી ગાયબ થઇ ગયા છે. જોકે આ બન્ને પૂર્વ વહીવટદરો લંબે નારાયણ આશ્રમમાં પણ દેખાયા ન હતા. બીજી બાજુ 3 વર્ષથી ભારતી આશ્રમના આધિપત્ય મુદે ચાલી રહેલા વિવાદ હરિહરાનંદ બાપુના ભારતી આશ્રમની કમાન સંભાળ્યા બાદ શાંત થાય તેવી શક્યતા છે.