વડાપ્રધાનના કાર્યક્રમ બાદ વાવડીમાં કરોડોની જમીન ખુલ્લી કરવા મોટાપાયે ડિમોલિશન કરાશે
રાજકોટ શહેરમાં સરકારી જમીન ઉપર ભુમાફીયાઓ દ્વારા દબાણ કરી બારોબાર જમીન પર કબજો કરી ઝુંપડા બાંધી વેચાણ કરી દેતાં હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું છે ત્યારે વાવડી નજીક આવેલી સરકારી જમીન પર મોટાપાયે દબાણ થયાનું તંત્રના ધ્યાન પર આવતાં વડાપ્રધાનના કાર્યક્રમ બાદ સરકારી જમીન પરનું દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજકોટ શહેરમાં વિકાસએ વેગ પકડયો છે ત્યારે જમીનોનો ભાવ રાતોરાત આસમાને પહોચીં જતાં ભુમાફીયાઓ દ્વારા સરકારી જમીન પર દબાણ કરી મોટાપાયે સરકારી જમીન પર કબજો કરી ઝુંપડા સહિતના મકાનો દુકાનો બનાવી બારોબાર વેચાણ શરૂ કરી દીધું હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું છે. ત્યારે સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવા જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ ખાસ તમામ મામલતદારોને આદેશ આપ્યા છે.
રાજકોટ શહેરની ભાગોળે વાવડી નજીક આવેલી 4000 ચો.મી.સરકારી જમીનો પર રાતોરાત ભુમાફીયાઓએ દબાણ કરી ઝુંપડા, દુકાન, નોનવેજની દુકાન ખડકી દેવામાં આવી હોવાનું તંત્રના ધ્યાન પર આવતાં તાલુકા મામલતદાર મકવાણાએ આ અંગે તપાસ કરાવી હતી. કરોડોની કિંમતની સરકારી જમીન પર ભુમાફીયાઓએ દબાણ કરી દુકાન, ઝુંપડા, અને મકાન બનાવી વેચાણ કરતાં હોવાનું તંત્રના ધ્યાન પર આવતાં તાલુકા મામલતદારે 25 થી 30 જેટલા ઝુંપડા ધારકો, મકાન ધારકો અને ગેરેજ વાળાઓને આખરી નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. જેની સુનાવણી પૂર્ણ થઈ ગયા બાદ વડાપ્રધાનના કાર્યક્રમ બાદ ગમે ત્યારે મોટાપાયે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું કલેકટર તંત્રનાં સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.