હત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશ
વિંછીયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડગ્રેબિંગની અરજી કરનાર યુવાનની હત્યા બાદ પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા તંત્ર દોડતુ થઇ ગય છે. અને ગઇકાલે કલેકટર તથા એસ.પી.એ વિંછીયા દોડી જઇ કડક પગલા ભરવાની અને આરોપીઓના ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની ખાતરી આપતા લાશ સ્વિકારાઇ હતી.
વીંછિયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારા યુવક પર સાત શખ્સે એક સાથે કુહાડી અને ધોકાથી હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. યુવક આઇશરને રીપેર કરાવી રહ્યો હતો ત્યારે આ શખ્સો અચાનક ધસી આવ્યા હતા અને ઘાતકી હુમલો કર્યો હતો જેમાં યુવકને પહેલાં વીંછિયા અને બાદમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
બાદમાં મૃતક દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા ગઈકાલેવીંછીયા ખાતે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી અને ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ડો. પંડ્યા દોડી ગયા હતા અને પરિવારને સમજાવટ કર્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. કલેકટર દ્વારા અધિકારીઓને કડકાઈ થી સુચના આપવામાં આવી હતી. તાત્કાલિક કાર્યવાહી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં પણ સૂચના આપવામાં આવી છે.કલેકટરે સમગ્ર મામલે જણાવ્યું હતું કે ગઈકાલે વીંછીયા ખાતે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી અને ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ડો. પંડ્યા દોડી ગયા હતા અને જરૂૂરી કાર્યવાહી કરવાની બાંહેધારી આપી હતી. તેમજ આરોપીઓને કડક સજા થાય તેવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે.
સાથે જ પોલીસ દ્વારા હાલ ચાર જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ બે જેટલી ગેરકાયદેસર બાંધકામ સામે આવ્યા છે જેમને કલેકટર દ્વારા તાત્કાલિક નોટિસ આપવામાં આવી છે અને આગામી અઠવાડિયામાં ડિમોલેશનની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે સમગ્ર મામલે કલેક્ટરે અધિકારીઓને તાત્કાલિક તપાસ કરવા પણ સૂચના આપી છે.