નકલી શાળા બાદ હવે વર્ષોથી કાગળ પર ચાલતી બી.એડ કોલેજ ઝડપાઇ, આ રીતે ફૂટ્યો ભાંડો
રાજ્યમાં હવે એક નકલી કોલેજ ઝડપાઈ છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે નકલી બી.એડ. કોલેજ ઝડપાઈ છે. 10 વર્ષથી કાગળ પર ચાલતી કોલેજ ઝડપાતા રાજ્યના શિક્ષણ વિભાગના અધિકીરીઓની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામમાં શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા કોલેજ ઓફ એજ્યુકેશન માતૃધામ બી.એડ. કોલેજ છેલ્લા 10 વર્ષથી માત્ર કાગળ પર જ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. આ કોલેજના સ્થળનું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શનના રિપોર્ટમાં કોલેજમાં ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ સાથે જ આ કોલેજમાં પ્રિન્સિપલ રૂમ, ફેકલ્ટી રૂમ, ઓફિસ રૂમ અને સ્ટોર રૂમ પણ બતાવામાં આવ્યાં છે, પરંતુ હકીકતમાં સ્થળ પર આવા કોઈ પ્રકારના રૂમ નથી કે કોલેજ નથી. આ કોલેજમાં વિદ્યાર્થી દીઠ રૂ.40,000 ફી ઉઘરાવવામાં આવતી હોવાની માહિતી પણ મળી રહી છે. સરકારના નિયમ અનુસાર આ કોલેજમાં સાત જેટલા શિક્ષકોની ફાળવણી પણ કરવામાં આવી છે. તો પછી આ શિક્ષકો ક્યાં હશે તેવા પણ અનેક સવાલો ઉભા થાય છે.
આ બી.એડ. કોલેજ હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટી-HNGU સાથે સંલગ્ન છે, HNGUની વેબસાઈટ પરથી આ કોલેજમાં એડમિશન પણ મળી રહ્યું છે. તેમજ બી.એડ. કોલેજને માન્યતા આપતી કેન્દ્ર સરકારની સંસ્થા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન- NCTE પાસેથી પણ આ કોલેજને માન્યતા પ્રાપ્ત કરવામાં આવી છે.