મોરબીમાં દરગાહના ડિમોલિશન બાદ રાતોરાત દીવાલ ચણી દેવામાં આવી
મોરબીના મણી મંદિર નજીક ગેરકાયદે ખડકી દીધેલી દરગાહનું મંગળવારે ડીમોલીશન કર્યા બાદ તંગદીલી ભરી સ્થિતિ જોવા મળી હતી અને પોલીસે સાવચેતીના ભાગરૂૂપે શહેરની મુખ્ય બજારો તુરંત બંધ કરાવી હતી અને સઘન પેટ્રોલિંગ શરુ કરી દીધું હતું બાદમાં બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે અને બજારો ફરી ધમધમતી જોવા મળી હતી.
મંગળવારે દરગાહ ડીમોલીશન બાદ પોલીસે આખી રાત્રી પેટ્રોલિંગ કર્યું હતું અને કોઇપણ અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારી રાખી હતી સાંજે થોડી પથ્થરમારા અને ટોળા એકત્ર થવાની ઘટનાઓ બાદ કરતા કોઈ બનાવ બન્યો નથી અને બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે શહેરની તમામ બજારો રાબેતા મુજબ ખુલી હતી તેમજ મોરબી જીલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ડીમોલીશન સ્થળની મુલાકાત લીધી હતી તેમજ દરગાહ કાટમાળ દુર કરવા તોડવામાં આવેલ દીવાલ પણ રાતોરાત ચણી દેવામાં આવી હતી બુધવારે સવારથી મોરબીના નગર દરવાજા, દરબારગઢ ચોક, શક્તિ ચોક સહિતના મુખ્ય સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.