સુરત બાદ સિધ્ધપુરમાં ભાજપ કાર્યકરો વચ્ચે બબાલ
નવનિયુકત પ્રદેશ પ્રમુખના સ્વાગત સમયે જ બઘડાટી, અમુકના મોબાઇલ-પાકીટ પણ ચોરાયા
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજ્યવ્યાપી પ્રવાસનો પ્રારંભ કર્યો છે. ત્યારે તેઓનો સિદ્ધપુરમાં સ્વાગત કાર્યક્રમ હતો, જે કાર્યક્રમમાં તેઓ પહોંચે તે પહેલા જ ભાજપના બે કાર્યકરો વચ્ચે કોઈ બાબતે રકઝક થઈ હતી.
બે દિવસ પહેલા સુરતમાં પણ ભાજપ કાર્યલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના બની હતી.
આજે સિદ્ધપુરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ શરૂૂ થાય તે પહેલા કાર્યક્રમ સ્થળે ભાજપના કાર્યકર દીપસિંહ ઠાકોરે કોઈ બાબતે ઉશ્કેરાઈને જિલ્લા ભાજપના આગેવાન શંભુ દેસાઈ સાથે રકઝક કરી હતી. જેથી થોડી વાર માટે વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જોકે, ભાજપના અન્ય આગેવાનો સહિત પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ભારત માતા કી જયના નાદ સાથે તેઓને આવકાર્યા હતા. જોકે, ભારે ભીડ થઈ જતાં ભીડનો લાભ લઈને તસ્કરોએ કેટલાક કાર્યકરોના પોકેટમાંથી રૂૂપિયા અને મોબાઈલની ચોરી કરી હોવાની વિગત સામે આવી છે.