MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી જાહેરાત
વિક્રાંત મેસીની તાજેતરની રિલીઝ 'ધ સાબરમતી રિપોર્ટ' ગોધરાની ઘટનાની હૃદયદ્રાવક ઘટના પર આધારિત છે. આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પીએમ મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પોલિટિકલ થ્રિલર ફિલ્મના વખાણ કર્યા છે. આ ફિલ્મને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ ફિલ્મ જોયા બાદ તેના ખૂબ વખાણ કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે રાજ્યમાં 2002ની ગોધરા ટ્રેન આગ પર આધારિત તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોઈ હતી અને ફિલ્મની પ્રશંસા કરી હતી. એક સત્તાવાર રીલીઝમાં જણાવાયું છે કે મુખ્યમંત્રીએ પીઢ બોલીવુડ સ્ટાર જિતેન્દ્ર, ફિલ્મ અભિનેત્રી રિદ્ધિ ડોગરા અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદ શહેરના એક મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ નિહાળી હતી, જેમાં જણાવ્યું હતું કે 'ધ સાબરમતી રિપોર્ટ' જોયા બાદ, અન્ય લોકોએ પણ ફિલ્મના વખાણ કર્યા છે. તેના મેકર્સ અને સ્ટાર કાસ્ટના પરફોર્મન્સના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.હવે ગુજરતમાં પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
‘ધ સાબરમતી રિપોર્ટ’ ગોધરાની ઘટના પર આધારિત છે.
વિક્રાંત મેસી અભિનીત ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ધીરજ સરના દ્વારા નિર્દેશિત છે અને બાલાજી મોશન પિક્ચર્સ અને વિકીર ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા નિર્મિત છે. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગોધરા સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બાને આગ લગાડવામાં આવી હતી, જેમાં 59 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે કાર સેવકો હતા, જેના કારણે ગુજરાતમાં મોટા પાયે રમખાણો ફાટી નીકળ્યા હતા. આ ઘટનાની સત્યતા ‘ધ સાબરમતી રિપોર્ટ’માં દર્શાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ફિલ્મને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને હરિયાણા સહિત બીજેપી શાસિત ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે.
‘ધ સાબરમતી રિપોર્ટ’ બોક્સ ઓફિસ કલેક્શન
‘ધ સાબરમતી રિપોર્ટ’ની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મને તમામ નેતાઓએ વખાણી છે. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. 'ધ સાબરમતી રિપોર્ટ'એ રિલીઝના 6 દિવસમાં 10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.