જુગારમાં 1.39 કરોડ હારી જતાં કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ
જુગાર ક્લબમાં રમવા લઈ જનાર રવિ વેકરિયા સહિતના પાંચ શખ્સો નાણાની પઠાણી ઉઘરાણી કરતાં’ તા
નામચીન રવિ વેકરિયા વિરુદ્ધ જેલમાંથી છૂટ્યા બાદ વધુ એક ગુનો નોંધાયો
શહેરના એક કારખાનેદાર જુગાર ક્લબમાં રૂૂ.1.39 કરોડ હારી ગયા હતા. જેની સામે તેણે રૂૂ.62.90 લાખ ચૂકવી દીધા હતા, બાકીના રૂૂ.77 લાખની જુગારીઓએ પઠાણી ઉઘરાણી કરી મારકૂટ કરી ત્રાસ આપતા કારખાનેદારે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અંતે પોલીસે પાંચ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
કોઠારિયા રોડ પરની આલોક રેસિડેન્સીમાં રહેતા અને માંડાડુગર પાસે બાલાજી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં જય બાલાજી સ્ટીલ નામે કારખાનું ધરાવતાં નિતેશ હસમુખભાઇ ટીંબડિયા (ઉ.વ.35)એ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ વેકરિયા, કપિલ પટેલ, બાદશાહ, ચિરાગ મોલિયા અને કાનો કાકડિયાના નામ આપ્યા હતા. નિતેષ ટીંબડિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છ મહિના પહેલાં કપિલ પટેલ સાથે મુલાકાત થયા બાદ મિત્રતા થઇ હતી. કપિલ અલગ અલગ જગ્યાએ જુગાર રમવા જતો હતો અને નિતેશને પણ વારંવાર જુગાર રમવા આવવાનું કહેતો હતો. કપિલની સાથે નિતેશ ગોંડલ નજીક વાડી વિસ્તારમાં ચાલતી રવિ વેકરિયાની ક્લબમાં રમવા ગયો હતો.
એક મહિના બાદ કપિલ ફરીથી રવિ વેકરિયાની મવડીની વગડ ચોકડી પાસે ફ્લેટમાં ચાલતી રવિ વેકરિયાની ક્લબે લઇ ગયો હતો અને ત્યાં એક જ દિવસમાં નિતેશ ટીંબડિયા રૂૂ.46.50 લાખ હારી ગયો હતો. જુગારમાં હારેલી રકમ પેટે રૂૂ.10 લાખ કપિલ પટેલને સોરઠિયા વાડી સર્કલ નજીક આપ્યા હતા ત્યારે બાદશાહ પણ સાથે હતો, રૂૂ.3 લાખનો ચેક આપ્યો હતો અને બાદમાં રૂૂ.5 લાખ આનંદ બંગલા ચોકમાં ચૂકવ્યા હતા. બાકીના રૂૂપિયા વસૂલવા ચેકબુક લઇ ગયા હતા અને રવિની ઓફિસે બોલાવી પઠાણી ઉઘરાણી કરતા હતા.
થોડા દિવસો બાદ કપિલે કહ્યું હતું કે, જુગારની બાકી રકમ ચૂકવવા માટે મેટોડામાં કાના કાકડિયાની ચાલતી જુગાર ક્લબમાં જુગાર રમીને ત્યાંથી જીતીને પૈસા ચૂકવી દેજે. કપિલની વાતમાં ફસાઇને નિતેશ જુગાર રમવા ગયો હતો અને ત્યાં રૂૂ.80 લાખ હારી ગયો હતો. નિતેશે હારેલી રકમમાંથી રૂૂ.19 લાખ કાના કાકડિયાને ભાવનગર રોડ પર ચાની હોટેલે ચૂકવ્યા હતા. ત્યારબાદ રૂૂ.8 લાખ, રૂૂ.5 લાખ, રૂૂ.3 લાખ, રૂૂ.1 લાખ, રૂૂ.3 લાખ, રૂૂ.9.50 લાખ મળી કુલ રૂૂ.48.50 લાખ ચૂકવ્યા હતા અને બાકીના રૂૂ.31.50 લાખ માટે જુગાર ક્લબના સંચાલકોએ બે મહિનાનો સમય આપ્યો હતો. નિતેશ ટીંબડિયા ત્રણ વખતમાં કુલ રૂૂ.1.39 કરોડ હારી ગયો હતો જેની સામે તેણે રૂૂ.62.90 લાખ ચૂકવ્યા હતા બાકીના રૂૂ.77 લાખ માટે ઉપરોક્ત તમામ આરોપીઓ બેફામ બન્યા હતા.
ગત તા.10ના આરોપીઓ નિતેશના કારખાને પહોંચ્યા હતા ત્યાં મારકૂટ કરી આખો દિવસ ગોંધી રાખ્યો હતો અને ધમકી આપી હતી કે, મરવું હોય તો મરી જજે પણ પૈસા તો આપવા જ પડશે.તેમજ સોમવાર સુધીમાં ગમે તેમ કરીને રૂૂપિયા આપવા માટે અલ્ટીમેટમ આપતા ત્રાસથી કંટાળી ગઈ તા. 10ના તેના કારખાને એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલમાં ખસેડાયા હતાં. તેમ ફરિયાદમાં જણાવાતા આજીડેમ પીઆઇ એ.બી. જાડેજા અને ટીમે પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ગુનામાં સામેલ રવિ વેકરિયા થોડા દિવસો પૂર્વે જ નાણાની ઉઘરાણી મામલે જેલમાંથી છૂટ્યો હતો અને છૂટ્યા બાદ વધુ એક વખત પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં તેની ધરપકડની તજવીજ શરૂ કરવામાં આવી છે.