જય-વીરૂ બાદ ‘ધરમ-વીર’ની જોડીનો જલવો
તાલાલા પંથકમાં ધાક જમાવતી બે સિંહની જોડી આકર્ષણનું કેન્દ્ર બની
1977માં બોલિવુડમાં ધરમવીર ફિલ્મ આવી હતી. જેમાં ગીત હતું સાત અજૂબે ઈસ દુનિયા મેં આઠવી અપની જોડી... તોડે સે ભી ના તૂટે ધરમવીર કી જોડી... ગુજરાતની શાન અને દેશનું ગૌરવ ગણાતા એશિયાટિક લાયનની પણ વધુ એક જોડી જાણીતી બની છે. ગીરના જંગલમાં તાલાલા પંથકમાં આ જોડી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.
ધાવા ગીરથી મોરુકા ગીર વચ્ચેના માર્ગ પર આ નરકેસરી સિંહ જોડી નિયમિત જોવા મળે છે. સ્થાનિકો અને ખેડૂતો આ જોડીને ધરમ-વીરના નામથી ઓળખે છે. તાલાલા, સાસણ અને આંકોલવાડી રેન્જના જંગલ વિસ્તારમાં આ જોડી નિયમિત ભ્રમણ કરે છે. તાલાલા તાલુકાની સરહદના જંગલ વિસ્તાર અને આસપાસના ગામડાઓમાં આ સિંહ જોડી પોતાનું વર્ચસ્વ ધરાવે છે.
બંને સિંહોની ચાલ અને અદા જોનારને મંત્રમુગ્ધ કરી દે છે. તેમની આકર્ષક છટા જોઈને કોઈપણ વ્યક્તિના શરીરમાં રોમાંચ વ્યાપી જાય છે. ધાવાથી મોરૂૂકાના રસ્તા પર લટાર મારતી આ જોડીનો વીડિયો સ્થાનિકોએ બનાવ્યો હતો. આ વીડિયો હાલમાં ગીરના સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં વાઈરલ થઈ રહ્યો છે.
ગીર-સૌરાષ્ટ્રના જંગલોમાં વર્ષોથી પ્રવાસીઓ અને સિંહ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલી પ્રસિદ્ધ સિંહોની જોડી જય અને વીરૂ વિદાય લઈ ચૂક્યા છે. જંગલમાં વર્ચસ્વ સ્થાપિત કરનાર જય-વીરુની આ જોડી ગીરના ખડકબારી રેન્જમાં રહેતી હતી. તેઓ પોતાની શિકારી પદ્ધતિઓ અને કુદરતી દક્ષતા માટે ખૂબ જાણીતા હતા. આ જોડી હમેશા એકસાથે જોવા મળતી હતી. સ્થાનિક ટ્રેકર્સ અને વનકર્મચારીઓના કહેવા મુજબ આ જોડી દિવસમાં બેથી ત્રણ વખત શિકાર કરતી હતી. આ જોડીએ ગીર નેચર સફારીમાં આવતા હજારો પ્રવાસીઓને પોતાના ચાહક બનાવી લીધા હતા.