કોર્ટ મેરેજ કર્યા બાદ પ્રેમિકા માવતરે ચાલી જતા પ્રેમીનો ઝેર પી આપઘાત
શાપર વેરાવળમાં રહેતા યુવાને પ્રેમિકાના ભરોસે પત્નીને છૂટાછેડા આપી દીધા બાદ કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ બાદ પ્રેમિકા પણ માવતરે ચાલી જતા યુવાને ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના મોતથી બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલ શીતળા માતાજીના મંદિર પાસે રહેતા અનિલ બચુભાઈ ચાવડા નામનો 26 વર્ષનો યુવાન બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવાનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં અનિલ ચાવડાને સુખના ઉર્ફે દીપા નામની યુવતી સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને સુખના ઉર્ફે દીપાના કહેવાથી અનિલ ચાવડાએ સંતાનમાં બે પુત્રી હોવા છતાં પત્ની રેખાબેનને છૂટાછેડા આપી દીધા હતા. અને બાદમાં અનિલ ચાવડા અને સુખના ઉર્ફે દિપાએ કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ કર્યા બાદ પ્રેમિકા સુખના ઉર્ફે દીપા માવતરે ચાલી જતા અનિલ ચાવડાએ ઝેરી ટીકડાખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.