બોક્સ ક્રિકેટ બાદ શ્રમિક બસેરાનો ઠેર ઠેરથી વિરોધ
ગઈકાલે વોર્ડ-11ના રહીશોની રજૂઆત બાદ આજે વોર્ડ-1ના સ્થાનિકોનું કોર્પોરેશન કચેરીમાં હલ્લાબોલ
મહાનગરપાલિકા દ્વારા ન્યુસન્સની આશંકા હોય તેવા પ્રોજેક્ટનો શહેરીજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા અલગ અલગ સ્થળે તૈયાર થનાર બોક્સ ક્રિકેટનો સ્થાનિકોએ વિરોધ કરતા આ પ્રોજેક્ટ પડતો મુકવામાં આવ્યો હતો અને હવે રાજ્ય સરકાર દદ્વારા મહાનગરપાલિકાએ ફાળવેલા પ્લોટ ઉપર શ્રમિક બસેરા બનાવવાનો પ્રોજેક્ટ હાથ ઉપર લેતા જ ગઈકાલે વોર્ડ નં. 11 માં શ્રમિક બસેરાનો વિરોધ થયેલ અને આજે વોર્ડ નં. 1 માં અલગ અલગ સોસાયટીઓના રહીસો દ્વારા શ્રમિક બસેરા ન બનાવવામાં આવે તેવી માંગણી સાથે સ્ટેન્ડીંગચેરમેન જયમીનભાઈ ઠાકરને રજૂઆત કરતા તેઓએ હાલ પ્રોજેક્ટ બંધ કરાવી દેવાની ખાતરી આપી હતી.
શહેરમાં વોર્ડ નં. 11માં ટીપી સ્કીમમાં સરકારને અલગ અલગ હેતુ માટે ફાળવવામાં આવેલા પ્લોટ પૈકી કોપર રેસીડેન્સીની બાજુમાં શ્રમિક બસેરા બનાવવાનું કામ ચાલુ થતાં જ આજુબાજુની સોસાયટીના સ્થાનિકોએ તેનો વિરોધ કરી શ્રમિક બસેરાથી આ વિસ્તારમાં ન્યુસન્સ પોઈન્ટનું નિર્માણ થશે તેમ કહી સ્ટેન્ડીંગ ચેરમેનને રજૂઆત કરતા તેઓને હાલ પુરતુ કામ અટકાવી દીધું હતું. પરંતુ સરકાર દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળે બહારથી મજુરી કામ માટે આવતા શ્રમિકોને આવાસ મળી શકે તે હેતુથી શ્રમિક આવાસો બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. વોર્ડ નં. 11 બાદ હવે વોર્ડ નં. 1 માં દ્વારકેશ પાર્ક નજીક શ્રમિક બસેરાનું કામ શરૂ કરાતા આજુબાજુની સોસાયટીના 100થી વધુ બહેનો અને ભાઈઓએ આજે સેન્ટ્રલઝોન કચેરી ખાતે શ્રમિક રેનબસેરાનો વિરોધ કરી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરને રજૂઆત કરવામાં આવી હતી.
દ્વારકેશપાર્ક સોસાયટી સહિતના સ્થાનિકોએ આજે સ્ટેન્ડીંગ ચેરમેનને રજૂઆત કરી જણાવેલ કે, અમારા રહેણાંક વિસ્તાર દ્વારકેશ પાર્ક નજીકમાં કોર્પોરેશન ના લે-આઉટ માં આરોગ્ય કેન્દ્ર/આંગણવાડી બનાવવાની જોગવાઈ છે પરંતુ આમ થવાને બદલે ત્યાં હેતુ ફેર કરી અમારી સોસાયટી દ્વારકેશ પાર્ક નજીક રૈન બસેરા/ શ્રમિક બસેરા બનાવવા માટેનું કામ ચાલુ કરવામાં આવેલ છે તેવું અમારા ધ્યાન પર આવેલ છે. અમારો રહેણાંક વિસ્તાર પોશ વિસ્તાર છે. ત્યાં શિક્ષિત અને શાંતિપ્રિય લોકો ઉંચી કીમતે મકાનો ખરીદી રહે છે.
તેમજ સોસાયટીના રહીશો માટે - અવરજવર નો આ સામાન્ય રસ્તો હોય આ વિસ્તારમાં જો રૈન બસેરા / શ્રમિક બસેરા બને તો અમોને અગવડતા ઉભી થવા કે રહેવા માટે મુશ્કેલી પડે તેમ છે. વળી આ વિસ્તારને સ્માર્ટ સીટી અંતર્ગત પણ લેવામાં આવેલ છે તેવું પણ અમોને જાણવા મળેલ છે એવા સંજોગોમાં આ વિસ્તાર માં રૈન બસેરા / શ્રમિક બસેરા બનાવવું પણ યોગ્ય જણાતું નથી. જેથી આ સાથે અમો દ્વારકેશ પાર્ક સોસાયટી ના રહીશો રૈન બસેરા / શ્રમિક બસેરા ના બાંધકામ માટે વિરોધ પ્રદર્શિત કરીએ છીએ તેમજ રૈન બસેરા / શ્રમિક બસેરા માટે અન્યત્ર જગ્યા ફાળવી અને આ વિસ્તાર માં રૈન બસેરા/શ્રમિક બસેરા ન બનાવવા માટે આગ્રહ પૂર્વક વિનંતી છે.