50 દિવસ બાદ સેવન્થ ડે સ્કુલમાં તમામ વર્ગો ઓફલાઇન ધમધમતા
સુરક્ષા અને અન્ય મામલે સર્જાયેલા વિવાદ બાદ આખરે સેવન્થ ડે સ્કૂલમાં 50 દિવસના લાંબા વિરામ પછી ઓફલાઇન વર્ગોનો પ્રારંભ થયો છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો અને શિક્ષણ વિભાગની કડક સમીક્ષા બાદ લેવામાં આવ્યો છે. સ્કૂલ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થામાં મોટાપાયે સુધારો કર્યો અને તેની ખાતરી આપ્યા બાદ જ જિલ્લા શિક્ષણ અધિકારી (ડીઇઓ) ઓબ્ઝર્વર દ્વારા વર્ગો શરૂૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સ્કૂલે માત્ર ધોરણ 6થી ઉપરના જ નહીં, પરંતુ ધોરણ 1થી 5ના નાના બાળકો માટેના ઓફલાઇન વર્ગો પણ શરૂૂ કરી દીધા છે, જેથી તમામ વિદ્યાર્થીઓનું શિક્ષણ ફરી પાટા પર ચડી શકે. શાળા પ્રશાસને શિક્ષણ વિભાગ અને કાયદાકીય માર્ગદર્શન મુજબ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે પગલાં લીધા છે.
સ્કૂલના સમગ્ર પરિસરમાં 65 જેટલા સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે, જેની મદદથી દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી શકાશે. જૂના સુરક્ષાકર્મીઓને બદલે અનુભવી અને તાલીમબદ્ધ એક્સ-આર્મીમેન (ભૂતપૂર્વ સૈનિકો)ને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. આ પગલાં લેવા પાછળનો હેતુ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં સુરક્ષા પ્રત્યે વિશ્વાસ પુન:સ્થાપિત કરવાનો છે, જે 50 દિવસના વિરામ દરમિયાન ડગમગી ગયો હતો.