જૂનાગઢ જેલમાં 25 કેદી રાત્રે સુતા પછી મધરાત્રે પોકસોના ચાર કેદી ઉઠ્યા, બેરેકના સળિયા પહોળા કરી ભાગવા ગયા ને પકડાયા
એસઆરપી જવાન રાઉન્ડમાં નીકળ્યો, પહોળા સળિયા અને ચાર પથારી જોઇ સૌને એલર્ટ કર્યા હતા
જૂનાગઢ જિલ્લાની સેન્ટ્રલ જેલમાં ગુરુવાર-શુક્રવારની રાત્રે ચાર કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જેલ સ્ટાફની સતર્કતાને કારણે તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ, જેલના સર્કલ નંબર 1ના બેરેક નંબર 2માં રહેલા ચાર કેદીઓએ બેરેકના સળિયા તોડી નાખ્યા હતા. ત્યારબાદ તેઓ બેરેકની બહાર આવીને જેલની વહીવટી બિલ્ડિંગના ધાબા પર સંતાઈ ગયા હતા. ફરજ પર હાજર એસઆરપી જવાનનું ધ્યાન જતાં તેમણે તાત્કાલિક બેરેકની તપાસ કરી હતી, જેમાં ચાર કેદીઓ ગાયબ જણાયા હતા. આથી જેલના નાઈટ અમલદાર મહેશભાઈને જાણ કરવામાં આવી હતી. જેલ ઇન્ચાર્જ અધિક્ષક એચ.ઓ.વાળાએ જણાવ્યું હતું કે, જેલમાં તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેલની મુખ્ય દીવાલને સીલ કરી દેવામાં આવી હતી અને ત્રણ અલગ-અલગ ટીમો બનાવીને સમગ્ર બિલ્ડિંગ અને વિભાગોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન વહીવટી બિલ્ડિંગના ધાબા પરથી ચારેય આરોપીઓ મળી આવ્યા હતા, અને તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. જેલ અધિક્ષકે ઉમેર્યું હતું કે, આ ચારેય કેદીઓએ બેરેકના સળિયા પહોળા કરીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એસઆરપી જવાનની સમયસરની નજરને કારણે તેઓ પકડાઈ ગયા હતા. હાલમાં, આ કેદીઓ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર થવાનો ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. જેલ સ્ટાફની સતર્કતાને કારણે એક મોટી ઘટના ટળી હતી. આ ઘટના બાદ જેલની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.