ઘી-માવો-શિખંડ-પનીર-લાડવા બધામાં ભેળસેળ: 7 વેપારી દંડાયા
ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 2 એકમોને લાયસન્સ અંગે અપાઇ નોટિસ
લેબમાં ઘી-પનીરમાં તેલની મીલાવટ અને શિખંડ-લાડવામાં સિન્થેટીક કલરની ભેળસેળ ખુલ્લી
મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવાતા ખાદ્યપ્રદાર્થના સેમ્પલો પૈકી મોટાભાગના ભેળસેળ યુકત હોવાનો લેબ રીપોર્ટ આવતો હોય છે. જેના લીધે ફૂડ વિભાગ દ્વારા વિક્રેતાઓ અને ઉત્પાદકો વિરૂધ્ધ એજ્યુડિકેશન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં વધુ સાત ખાદ્યપ્રદાર્થ અંતર્ગત કલેક્ટર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી સાત વિક્રેતાઓને રૂા.3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ફેઇલ થયેલ સેમ્પલ મુજબ ઘી-માવો-શિખંડ-પનીર અને મોદકમાં ભેળસેળ ખુલવા પામી છે.
મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ સાત સેમ્પલનો રીપોર્ટ ફેઇલ આવતા વિક્રેતાઓને રૂા.3 લાખનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં ગાયત્રી નગરમાં શિયારામ વિજય પટેલ આસ્ક્રીમમાંથી લીધેલ ઘીના નમૂનામાં તેલની મિલાવટ નીકળતા વિક્રેતાને રૂા.1.80 લાખનો દંડ તથા માદેવાડી મેઇન રોડ પર શ્રધ્ધા ગુલાબ જાબુમાંથી લીધેલ માવાના સેમ્પલમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ આવતા માલિકને રૂા.50 હજારનો દંડ તથા ગામ મવડી ખોડિયાર ડેરીમાંથી લીધેલ કેશર શિખંડના નમૂનામાં સિન્થેટીક કલર નિકળતા માલિકને રૂા.20 હજારનો દંડ તથા નવા થોરાળા નિલેશ ડેરી ફાર્મમાથી લીધે ચોકલેટ મોદકમાં સિન્થેટીક કલરની હાજરી નીકળતા માલિકને રૂા.20 હજારનો દંડ તથા લાખના બંગલા પાસે વિશાલ ચાઇનીઝ પંજાબીમાંથી લીધેલ પનીરમાં વેજીટેબલ ઘીની ભેળસેળ ખુલતા માલિકને રૂા.10 હજારનો દંડ તથા રૈયાધાર પાસે સનસીટી હેવન માંથી લીધેલ શુધ્ધ ઘીમાં વેજીટેબલ ઘીની મીલાવટ ખુલતા માલિકને રૂા.10 હજારનો દંડ અને મનહર સોસાયટી હરેરામ હેરકૃષ્ણ ડેરીમાંથી લીધેલ શુધ્ધ ઘીમાં વેજીટેબલ તેલની મીલાવટ ખુલતા પેઢીના માલિકને રૂા.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગે લીધેલા સાત નમૂના ફેઇલ થતા સબસ્ટાર્ન્ડ અંતર્ગત કલેક્ટર ઓફિસ ખાતે કેસ દાખલ કરવામાં આવેલ જેમાં સાતેય નમૂના ફેઇલ ગણાવી નિવાસી અધિક કલેક્ટર દ્વારા તમામ પેઢીના માલિકને રૂા.3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.ફૂડ વિભાગ દ્વારા આજરોજ (01)શિવશક્તિ ઘૂઘરા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જય ભવાની છોલે કુલ્ચા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (03)સાંઇ દાબેલી (04)દેવ ફાસ્ટફૂડ (05)J'Bees ફાસ્ટફૂડ (06)જયંતીભાઈ માવાવાળા (07)સોનાલી પાઉંભાજી (08)બનાના લીફ હોસ્પિટાલિટી (09)વીરે દે પરાઠે (10)પ્યાસા શોપીંગ સેન્ટર (11)બાલાજી શોપીંગ સેન્ટર (12)ટેસ્ટી ખમણ (13)હુસેનભાઇ આમલેટવાળા (14)નસીબ દાળ પકવાન (15)શ્રી ગણેશ નમકીન (16)ગજાનંદ ફૂડ ઝોન (17)તિરુપતિ ઢોસા (18)શ્રી હરિ નમકીન (19)સપના સોડા (20)વિનોદ બેકર્સ (21)લાલા સુપર માર્કેટની ચકાસણી કરવામાં આવેલ હતી.