મેડિકલમાં ત્રીજા રાઉન્ડમાં 513, ડેન્ટલમાં 406 સહિત 919 બેઠક પર પ્રવેશ
8મી સુધીમાં ફી ભરી પ્રવેશ ક્ધફર્મ કરાવવો ફરજિયાત
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ત્રીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસ પ્રમાણે પ્રવેશની ફાળવણી કરી દેવામાં આવી છે. ખાલી પડેલી અને નવી મંજુરી થયેલી કુલ 919 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓએ આગામી 8મી સુધીમાં ફી ભરીને પ્રવેશ ક્ધફર્મ કરવાનો રહેશે.
મેડિકલમાં પ્રવેશ માટેના બે રાઉન્ડ પુરા થયા બાદ 700થી વધારે બેઠકો ખાલી પડી હતી. જેની સામે જીસીએસ મેડિકલ કોલેજની 50 અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજના 200 બેઠકો માટેની મંજુરી આપવામાં આવી હતી. આ સિવાય અંદાજે 50 વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓએ પ્રવેશ રદ કરાવ્યો હતો. જેની સામે 300 જેટલા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કવોટામાં પ્રવેશ મળ્યો હોવાથી સ્થાનિક કવોટામાં મળેલો પ્રવેશ રદ કરાવ્યો હતો. આમ, મેડિકલમાં 900થી વધારે બેઠકો ખાલી પડી હોવાથી વધારાનો રાઉન્ડ કરવામાં આવ્યો હતો.
આ રાઉન્ડમાં મેડિકલમાં કુલ 513 નવા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા છે જેની સામે ડેન્ટલમાં 406 વિદ્યાર્થીઓને નવા પ્રવેશ મળ્યા છે. આજ રીતે ત્રીજા રાઉન્ડ સુધી મેડિકલમાં 660 વિદ્યાર્થીઓના પ્રવેશમાં ફેરબદલ થયા છે જેની સામે ડેન્ટલમાં 172 મળીને કુલ 832 વિદ્યાર્થીઓ એવા છે કે જેમનો જૂનો પ્રવેશ ટ્રાન્સફર થયો છે. ત્રીજા રાઉન્ડ માટે 11મી ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. મેરિટમાં સમાવેશ થયો હતો તેવા 16022 વિદ્યાર્થીઓ પૈકી 10125 વિદ્યાર્થીઓએ ચોઇસ આપી હતી. આજે ત્રીજા રાઉન્ડમાં મેડિકલ અને ડેન્ટલની તમામ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે.
