દ્વારકામાં પ્રાચીન પરંપરાઓ જાળવી સતત 150 વર્ષથી અડીખમ નવદુર્ગા ગરબી
ઈ.સ. 1874 ના ઓકટોબર માસની નવમી તારીખે હોળી ચોકમાં ગરબી માતાજીની નવમૂર્તિઓનું મંડપ સુશોભિત કરી ભવ્ય ઉજવણી સાથે ગુગળી બ્રાહમણ જ્ઞાતિના ભેખધારી ઠાકર મકનજી જૂઠાની આગેવાની હેઠળ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધી એટલે કે સતત 150 વર્ષ સુધી દ્વારકા ગુગળી બ્રાહમણી જ્ઞાતિએ પરંપરા જાળવી રાખીને દર વર્ષે ગરબીનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે સવારે માતાજીની મૂર્તિઓનું ષોડષોપચાર પૂજન કરવામાં આવે છે. ત્યાર બાદ વિધિસર સ્થાપના કરવામાં આવે છે. માતાજી સમક્ષ અન્નકુટ પણ ધરવામાં આવે છે.
આધુનિક યુગમાં લગભગ દરેક સ્થળે જયારે સ્ત્રી-પુરૂૂષો, યુવક-યુવતીઓ અને છોકરા-છોકરીઓ એક સાથે ડિસ્કો દાંડીયા પ્રકારની પધ્ધતિથી ગરબી રમે છે અને પ્રકૃતિસહજ સ્ખલનના શિકાર બને છે, ત્યારે આ ગરબી મંડપમાં કેવળ પુરૂૂષો જ ગરબીમાં જોડાય છે. અન્ય સ્થળે ડિસ્કો ટાઇપની વાદ્યરચના કે સંગીતકૃતિ લાઉડ સ્પીકર મુકવામાં આવે છે. ત્યારે આ ગરબીમાં પ્રાચીન છંદો ગાઈ-ગવડાવી વર્તમાનકાળમાં ભૂતકાળને સજીવન રાખવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે.
ગરબીમાં જોડાનાર પુરૂૂષોએ ધોતિયું કે પિતાંબર, પાસાબંડી અને પછેડીનો પહેરવેશ પહેરવો ફરજીયાત છે. અહીં જ્ઞાતિનું બંધન નથી અને ઉચ-નીચનો ભેદ નથી. એક મંડપ નીચે સૌને એકત્ર કરી, સંગઠિત બનાવવાની કેવળ એક નેમ છે. ગરબી મંડપમાં રોશનીનો ઝળહળાટ રેલાય છે. ઈન્દ્રપુરી સમાન મંડપ બહુરંગી અને દેદિપ્યમાન બને છે. ધ્વનિવર્ધક યંત્ર પર માતાજીના છંદો દુરસુદુર સુધી સંભળાય છે. નવરાત્રિ દરમ્યાન રોજબરોજ માતાજીના અલગ-અલગ છંદો ગવાય છે. એવી માન્યતા છે કે માતા પાર્વજીના સ્થુળ દેહના નવ ખંડ કરી ભારતની વિશાળ ભૂમિ પર ફેંકવામાં આવ્યા. જ્યાં જ્યાં એ ટુકડા પડયા ત્યાં જગદંબાનું ઉપાસના-સ્થળ નિર્માણ કરવામાં આવ્યું. દેવી પ્રતિનિધિત્વ ધરાવતાં આ નવેય સ્થાનની નવદુર્ગા માતાની નવ મૂર્તિઓ ગરબીની માંડવીમાં ફરતે સ્થાપવામાં આવેલ છે.
અષ્ટમીના 108 વ્યકિતઓ દ્વારા માતાજીની સમૂહ આરતીપૂર્વ શંકરાચાર્યજી, ડોંગરેજી મહારાજ, મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા, દયારામ બાપુ, કનકેશ્વરીજી સહિત અગ્રણીઓએ અગાઉ અહીં હાજરી આપી છે. આરતીમાં હાજરી ગરબીની પ્રારંભિક આરતી ખૂબ ભવ્ય હોય છે. જય ૐ જય ૐ મૉં જગદંબે આરતીનો પ્રારંભ થાય છે ત્યારે મંડપ જનમેદનીથી ખીચોખીચ ભર્યો હોય છે. આબાલ-વૃધ્ધ, સ્ત્રી-પુરૂૂષો આરતીમાં જોડાય છે. કર્ણમધુર કંઠે ગવાતી આ ભવ્ય આરતીના સમાપન પછી વેદમંત્રો દ્વારા માતાજીને પુષ્પાંજલિ અર્પણ થાય છે. અષ્ટમીના દિવસે 108 વ્યકિતઓ દ્વારા માતાજીની સમૂહ મહાઆરતી ઉતારવામાં આવે છે. આ આરતી ઉતારવા આજ પર્યંત જે અગ્રગણ્ય વ્યકિતઓ પધારી ચૂકયા છે તેમાં બ્રહમલીન દ્વારકાના પૂર્વ શારદાપીઠાધિશ્વર જગદગુરૂૂ શંકરાચાર્યજી મહારાજ, બ્રહમલીન પૂજ્ય ડોંગરેજી મહારાજ, મોરારી બાપૂ, રમેશભાઈ ઓઝા, દયારામ બાપા, મા કનકેશ્વરીજી તથા વિવિધ ધર્મસંસ્થાઓના સંતગણનો સમાવેશ થાય છે.
સ્વ. દેવજી ઘેલા દવે પરિવારની છ દાયકાથી વધુ સમયથી સેવા
નોબતના તાલે સ્વ. મંગલભાઈના કંઠે ગવાયેલ છંદ આજે પણ લોકપ્રિય સ્વ. દેવજી ઘેલા દવે પરિવારના સ્વ. મંગલભાઈ, સ્વ. ચંદુભાઈ, જગદીશભાઈ દ્વારા નોબતના તાલ સાથે આશરે છ દાયકાથી નવરાત્રિ દરમ્યાન સેવા આપવામાં આવી છે. જેમાં સ્વ. મંગલ દેવજી દવે (પેન્ટર) એ 50 વર્ષ આ ગરબીમાં મધુર કંઠે ગરબા છંદ ગાઈને પ્રાચીન ગરબીની પરંપરાઓ જાળવી રાખી છે. જે હાલ તેમના સંતાનો વિનય મંગલ દવે, નંદન દવે તથા જયેશ દવે તેમજ સ્વ. મંગલભાઈના પૌત્ર રવિ જયેશ દવે આ જવાબદારી નિભાવી રહયા છે. તેમને વેપારીઓ પણ પૂરતો સહયોગ આપી અનેક રીતે પ્રોત્સાહન આપે છે.