નકલી કચેરી કેસમાં એડિ.કલેકટરની આગોતરાની અરજી રદ, છોટાઉદેપુર પોલીસમાં હાજર થવા હુકમ
કૌભાંડીઓ પાસેથી એડિ.કલેકટરને 10 ટકા કમિશન મળ્યું હોવાની સરકારી વકીલની દલીલ
વર્ષ 2023 માં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી ઝડપાયેલી નકલી સરકારી કચેરીના કેસમાં એડિશનલ કલેક્ટર રવિન્દ્રસિંહ જાડેજા આગોતરા જામીન અરજી લઈને ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા. જેમાં ગત વર્ષે ગુજરાત હાઇકોર્ટમાં વેકેશન બેન્ચ બેસતી હોવાથી તેમને અધિક કલેકટરને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ આગામી સુનવણી સુધી વચગાળાની રાહત આપી હતી.
સુનવણી દરમિયાન રજૂઆત કરાઈ હતી કે નકલી કચેરીથી સરકારને 21 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું છે. જેમાંથી 1.66 કરોડ રૂૂપિયાના કાર્યો ઉપર અરજદારે મહોર મારી હતી. હાઇકોર્ટે અરજદારને તપાસમાં સહકાર આપવા માટે પણ નિર્દેશ આપ્યા હતા.
તેમજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી સામે હાજર રહેવા જણાવ્યું હતું.
કેસને વિગતે જોતા ઓક્ટોબર 2023 માં છોટાઉદેપુર પોલીસ મથકે સરકારી કારકૂન દ્વારા આરોપી સંદીપ રાજપૂત સામે આઇપીસીની કલમ 170, 419, 465, 467, 468, 471, 472, 474 અને 120ઇ મુજબ ફરિયાદ નોંધાઈ હતી. આરોપી પોતે ખોટો રાજ્ય સેવક બની બેઠો હતો અને નકલી સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝનની કચેરી ઊભી કરી હતી. વર્ષ 2021 થી વર્ષ 2023 સુધી બે વર્ષ દરમિયાન છોટાઉદેપુરમાં બોડેલીમાં અસલી કચેરી સાથે જ નકલી કચેરી પણ ચાલતી હતી. જેમાં ખોટા સહી, સિક્કા અને ખોટા દસ્તાવેજો દ્વારા 93 કામની દરખાસ્તોમાં 4.15 કરોડનું સરકારને નુકશાન કર્યું હતું.
એક વખત આઇએએસ ઓફિસર આગેવાનીની બેઠકમાં જાણવા મળ્યું હતું કે, 3.74 કરોડના કામોની દરખાસ્ત કાર્યપાલક ઇજનેરે મોકલી જ નથી. તો તે મંજૂરી માટે ક્યાંથી આવી ? આથી તપાસ થતાં ખબર પડી હતી કે આવી કોઈ ઓફિસ જ નથી. ત્યારબાદ અગાઉની દરખાસ્તોની પણ તપાસ કરવામાં આવી હતી.
40 દરખાસ્તોમાં 1.97 કરોડ જેટલા નાણાં ચૂકવાયા હોવાનું સામે આવ્યું હતું. અધિક કલેક્ટર દ્વારા કેટલીક દરખાસ્તોમાં સહી કરવામાં આવતા તેમની ધરપકડ થવાની શક્યતા હોવાથી તેમને ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. સરકારી વકીલે દલીલો કરી હતી કે અરજદાર મુખ્ય સહ આરોપી પાસેથી જમા થયેલી રકમના 10 ટકા કમિશન મેળવતા હતા.