કોડીનાર વિસ્તારમાં અદાણી-અંબુજા સિમેન્ટની તાનાશાહી
ખેડૂતોના ખેતરે જવાના મૂળભૂત જાહેર રસ્તાઓ બંધ કરી દીધા: તાત્કાલિક કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં અદાણી-અંબુજા સિમેન્ટ કંપની વિરુદ્ધ ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કંપની પર માઇનિંગ લીઝની જમીન અને તેની આસપાસની સરકારી મિલકતનો કોઈપણ મંજૂરી વગર, બેફામ અને ગેરકાયદેસર ઉપયોગ કરવાનો ગંભીર આક્ષેપ છે. નિયમોને નેવે મૂકીને, કંપનીએ આડેધડ રસ્તાઓ બનાવીને અનેક ગામોના ખેડૂતોના ખેતરમાં જવાના મૂળભૂત રસ્તાઓ તેમજ જાહેર પરિવહનના માર્ગો પણ બંધ કરી દીધા છે.
નિયમ મુજબ, ઉદ્યોગોએ પરિવહન માર્ગો માટે જવાબદાર સરકારી ખાતાઓની પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત છે. જોકે, અદાણી સિમેન્ટ કંપનીએ આ જોગવાઈઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે.
કંપનીએ માઇનિંગ લીઝની આડમાં સરકારી પડતર અને ગૌચરની જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરીને પોતાના અંગત હેતુ માટે રસ્તાઓ બનાવ્યા છે. ગામોને જોડતા માર્ગો બંધ કર્યા ની વાત કરીએ તો વડનગર-ગાંગેથા ને જોડતો માર્ગ આ માર્ગ વડનગર બાયપાસ ચોકડીથી ગાંગેથા જતો મૂળ રસ્તો કંપનીએ તેના પ્લાન્ટમાંથી પસાર થતો હોવાથી બંધ કરી દીધો છે. હવે લોકો કંપની દ્વારા ફેરવીને કાઢવામાં આવેલા લાંબા રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર છે.
અરે હવે તો હદ થઈ કહેવાય ખેતરે જવા માટેય ભટકવું પડે છે! રામપરા, કુકરાસ, ભેટાળી, લોઢવા, થોરડી, સુગાળા સહિતના ગામોમાં કંપનીની લીઝ ચાલી રહી છે. આ તમામ વિસ્તારોમાં કંપનીએ માઇનિંગ માટેના મૂળ રસ્તાઓ ખોદી કાઢીને બંધ કરી દીધા છે, આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી કંપની વિરુદ્ધ કોઈ સખત પગલાં લેવાયા નથી. આ બાબત વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને કંપની પ્રત્યેના પનરમ વલણથ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.ત્યારે સ્થાનિકો અને ખેડૂતોએ તાત્કાલિક માગ કરી છે કે જિલ્લા કલેક્ટર વહીવટી તંત્ર દ્વારા દરેક વિવાદાસ્પદ જગ્યાઓનો સર્વે કરવામાં આવે અને કંપનીએ બંધ કરેલા મૂળભૂત જાહેર તેમજ ખેતરમાં જવાના રસ્તાઓ તાત્કાલિક ખુલ્લા કરાવવામાં આવે. સવાલ એ છે કે, જો કંપનીની મનમાની સામે અધિકારીઓ પણ ઘૂંટણીયા ટેકવી દેશે, તો સામાન્ય જનતાને ન્યાય કેવી રીતે મળશે? ત્યારે આ સમગ્ર મામલા ની સત્યતા માટે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી કડક પગલા લેવા જરૂૂરી છે.