પ્રદૂષણ ઘટાડવા એકશન પ્લાન, નદી-નાળાની ગંદકી રોકવા સૂચના
તમામ સરકારી શાળાઓના ટોઇલેટ બ્લોકની મરામત અને સાફસફાઇની ઝુંબેશ શરૂ કરવા હુકમ
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં જાહેર આરોગ્ય અને પર્યાવરણ સુરક્ષાને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યભરની સરકારી શાળાઓના ટોઇલેટ બ્લોકની સઘન મરામત અને સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવા, નદી-નાળાઓમાં થતી ગંદકીના કારણો શોધી તેને અટકાવવા અને હવા પ્રદૂષણ ઘટાડવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરવાના દિશાનિર્દેશો આપ્યા હતા.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ટોઇલેટ બ્લોકની ઝુંબેશ સ્વરૂૂપે વ્યાપક મરામત અને સાફ-સફાઈ હાથ ધરવા માટે આદેશ કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યભરની તમામ શાળાઓમાં ટોઇલેટ બ્લોકની સઘન તપાસ કરીને જ્યાં પણ જરૂૂરિયાત જણાય ત્યાં ખાસ ઝુંબેશના ભાગરૂૂપે સેનિટેશન, ડ્રેઈનેજ, પાણીની સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત તાત્કાલિક ધોરણે મરામત કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી છે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં રાજ્યના નદી-નાળાઓમાં ગંદકી અને પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ નદી-નાળાઓમાં થતી ગંદકીના કારણો અને તેના ઉપાયો શોધીને વહેલામાં વહેલી તકે નદી-નાળાઓમાં થતી ગંદકીને અટકાવવા માટે જરૂૂરી પગલા લેવા માટે દિશાનિર્દેશ કર્યા છે.
તેવી જ રીતે, રાજ્યમાં હવા પ્રદૂષણને ઘટાડવા અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચા-વિચારણા દરમિયાન મુખ્યમંત્રીએ હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાને લઈને અત્યારથી જ એલર્ટ થવા તેમજ પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારના દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.