ખંડણી માગવાના કેસમાં કુખ્યાત ઈભલાના ભાઈ સહિતના બે આરોપીનો નિર્દોષ છૂટકારો
શહેરમાં કુવાડવા રોડ ઉપર આવેલા સૌરાષ્ટ્ર ઓઈલ મિલ નામનું કારખાનું ધરાવતા કારખાનેદારને છરી બતાવી કારખાનું પડાવી લેવાની અને રૂૂ.20 હજારની માંગણી કરવાના ગુનામાં કુખ્યાત ઈભલાના ભાઈ સહિતના બે આરોપીનો નિર્દોષ મુક્ત કરતો કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ કુવાડવા રોડ પ્લોટમાં આવેલા સૌરાષ્ટ્ર ઓઈલ મિલ નામનું કારખાનું ધરાવતા ફરિયાદી શંકરલાલ કલ્યાજીભાઈ ભાનુશાલી ગત તા.24/06/2018 ના રોજ સાંજના સાતેક વાગ્યે કારખાનેથી ઘરે જવા નીકળ્યા હતા અને કારખાને તાળું મારતા હતા ત્યારે મોરબી રોડ ઉપર રહેતો ઈબ્રાહીમ ઉર્ફે ઈભલો કારીમભાઈ કથરોટિયા અને તેનો ભાઈ મેહબૂબ ઉર્ફે મેબલો કરીમભાઈ કાથરોટિયા કારખાને ધસી આવ્યા હતા. અને ઇભલાએ ફરિયાદી શંકરલાલ ભાનુશાલીમાં ગળા ઉપર છરી રાખી તારું આ ગોડાઉન આપી દે નહિતર મને ત્યારે રૂૂપિયા આપવા પડશે અને તું તારું ગોડાઉન મને નહિ આપે તો હું તને જાનથી મારી નાખીશ ધમકી આપતા ફરિયાદીએ હાલ મારી પાસે પૈસા નથી તેવું જણાવતા ઈભલાએ કહેલ કે જીવતું રહેવું હય તો કાલ સુધીમાં રૂૂ.20,000 આપી દેવા પડશે નહિ તો તારા કારખાનના તાળાં તૂટી જશે અને તને રોડ ઉપર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા.
જે અંગે ફરિયાદી શંકરલાલ ભાનુશાલીએ બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં વિજય ચાવડાનું નામ ખૂલતાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતાં ઈભલાના ભાઈ મેહબુબ કરીમ કથરોટિયા અને વિજય ચાવડાની અલગ ચાર્જશીટ હોય તે કેસ ચાલી જતાં આરોપીના બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે બંને આરોપીને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ ધવલ મહેતા, કુલદીપસિંહ બી. જાડેજા અને હિતેન્દ્ર સોલંકી રોકાયા હતા.