પોરબંદરમાં 20 કરોડની ખંડણી પ્રકરણમાં આરોપીના પિતાનો આપઘાત
તાજેતરમાં બગવદર પોલીસમાં વીજપોલ કપાતા અટકાવવા માટે એક શખ્સે 20 કરોડની ખંડણી માગી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.આ ફરિયાદના આરોપીના પિતાએ કુછડી વાડી વિસ્તારમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું મોત થયું હતું.આ ઘટનાને લઈને પરિવારમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો. બગવદર પોલીસ સ્ટેશનમાં વિન્ડ ફાર્મ કંપનીના ઉર્જા વહન માટેના વિજલાઈન પોલને નુકશાન પહોંચાડતા હોવાની ઘટના અટકાવવા માટે એક શખ્સે કંપનીના અધિકારી પાસે 20 કરોડની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
આ ફરિયાદ બાદ આ શખ્સની પોલીસે અટકાયત પણ કરી હતી આ ઘટના બાદ આ શખ્સના પિતા રામ લાખાભાઈ મોઢવાડિયા (ઉ.50)નામના આધેડે કુછડી સીમ વિસ્તારમાં આવેલ તેમની વાડી ખાતે ગઈકાલે ઝેરી દવા પી લેતા મોત થયું હતું.આ ઘટના બાદ તેમના મૃતદેહ પી.એમ.માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હાર્બર મરીન પોલીસે પરિવારના સભ્યોનું નિવેદન નોંધી અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા અકસ્માત મોતની ઘટના નોંધવામાં આવી છે.
આરોપીના પિતાએ ઝેરી દવા પી લઇ જીવન ટૂંકાવી લીધું: કારણ અંગે પરિવાર અજાણ