ભાવનગરમાં માતા-પુત્રીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
ભાવનગર શહેરના શેલારશા ચોક નજીક સવાઇગરની શેરીમાં બે વર્ષ પૂર્વે ફાયરિંગ કરી માતા -પુત્રીની હત્યા કરનાર આરોપી કરીમને કસુરવાર ઠેરવી ભાવનગરની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે શહેરના શેલાશા ચોક પાસે આવેલ સવાઈગરની શેરીમાં રહેતા અનવરઅલી પ્યારઅલી વઢવાણીયાના ઘરનુ રિનોવેશન કામ ચાલતુ હોય ઘરની બહાર રેતી, કપચી, સિમેન્ટ સહિત સામાન રાખ્યો હોય ગત તા. 31 માર્ચ 2022 ના રોજ બપોરના દોઢેક વાગ્યે તેનો પાડોશી કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાસયાણીએ સામાન ઉઠાવી લેવા ઝઘડો કરેલ અને તેના ઘરમાંથી પિસ્તોલ લઈ આવી ઝઘડો કરી અનવરઅલીના પત્ની ફરીદાબેન તથા તેની યુવાન પુત્રી ફરિયલ ઉપર ધડાઘડ ચાર રાઉન્ડ ફાયરિંગ કરી નાખી છૂટયો હતો. આ બનાવ બાદ તુરંત માતા પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં 3 એપ્રિલે પુત્રી ફરિયલ તથા 4 એપ્રિલે તેની માતા ફરીદાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો. બનાવની જાણ થતાં પોલીસના ધાડા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બનાવની અનવરઅલીએ કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાસયાણી વિરુદ્ધ ગંગા જય આપ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી 302, 307, 323, 504 તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1 બી) એ, 27 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. નજીકમાં આવેલી એક ઇંગ્લીશ સ્કુલ બહાર રાખેલા સીસીટીવી કેમેરામાં પિસ્તોલ લઈને ભાગતો આરોપી કેદ થયેલો જેના ફુટેજ મેળવ્યા હતા. દરમ્યાન ભારે શોધખોળ બાદ 53 દિવસે આરોપી કરીમ અમદાવાદથી પોલીસને હાથ લાગ્યો હતો. આ બનાવનો કેસ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ જોશી અને વીથ પ્રોસીક્યુશન એડવોકેટ મિતેષ લાલાણી સાથેની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓની જુબાની ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રિક્ટ જજ એલ.એસ.પીરજાદાએ આરોપી કરીને આજીવન કેદની સજા ફટકારી હતી.