જૂનાગઢ મગફળી ચોરીમાં આરોપી ઝડપાયો, જેતપુર માર્કેટ યાર્ડમાં જથ્થો વેંચવા મોકલી દીધો હોવાની કબૂલાત
જૂનાગઢ મગફળી ચોરીના કેસમાં પોલીસે આંબલીયાના શખ્સની અટક કરી જેતપુર યાર્ડમાંથી મુદામાલ કબજે કર્યો હતો. જૂનાગઢ તાલુકાના સુખપુર ગામમાં આવેલ નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશનના ખેત પેદાશ સ્ટોકનું ગોડાઉનમાંથી બુધવારની રાત્રિના રૂૂપિયા 3.96 લાખની 200 ગુણી મગફળીની ચોરી થયાની ફરિયાદ શુક્રવારે સુપરવાઇઝર મુકેશભાઈ રામજીભાઈ મકવાણાએ તાલુકા પોલીસમાં કરી હતી.
જેના પગલે તાલુકા વુમન પીઆઇ એફ બી ગગનીયા, પીએસઆઇ એસ. કે. ડામોરે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ તથા હ્યુમન સોર્સ આધારે તપાસ કરતા મગફળીની ચોરી આંબલીયા ગામના આકાશ રમેશભાઈ કયાડાએ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
અગાઉ પણ જુનાગઢ તાલુકા અને રાજકોટ એડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં શખ્સ પકડાયેલ હોય અને ચોરી કરવાની ટેવવાળો હોય જેથી તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપી હતી અને અને ગોડાઉનમાંથી ચોરી કરેલ 200 ગુણી મગફળી જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે વરદાન ટ્રેડિંગ કંપની નામની દુકાને વેચવા મોકલી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી આકાશ રમેશ કયાડાની અટક કરી ગણતરીની કલાકોમાં રૂૂપિયા 3.96 લાખનો મગફળીનો જથ્થો કબજે કર્યો હતો.