સ્વામિનારાયણ ચોકમાં અકસ્માતનો ખાડો
મહાનગરપાલિકા દ્વારા લાઈન લીકેજ અથવા અન્ય કારણોસર મુખ્ય માર્ગો પર ખાડા ખોદવામાં આવતાં હોય છે પરંતુ સમયસર કામગીરી પૂર્ણ ન થતી હોય અથવા કામ પતી ગયું હોય તો પણ ખાડો પુરવામાં આવતો નથી તેવી ફરિયાદો અનેક વખત ઉઠવા પામી છે. મેઈન રોડ પર ખાડાઓના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ ઉઠે છે તેવું જ આજે સ્વામીનારાયણ ચોકમાં જોવા મળ્યું હતું. છેલ્લા સાત દિવસથી ખોદેલો ખાડો આજ સુધી પુરવામાં ન આવતાં પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા આ બાબતે તંત્રને રજૂઆત કરાઈ હતી.
સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.13માં સતત ટ્રાફીકથી ધમધમતા સ્વામીનારાયણ ચોકમાં અંદાજે છ દિવસ પહેલા પાણીની લાઈન લીકેજ થતાં ફરિયાદના આધારે રિપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. 24 કલાકમાં રિપેરીંગ કામ પૂર્ણ થઈ ગયેલ અને વોટર વર્કસ વિભાગનો સ્ટાફ પણ પોતાની ઓફિસે ચાલ્યો ગયેલ ત્યારબાદ ખાડો પુરવાની કામગીરી આજ સુધી કરવામાં ન આવતા બપોરના સમયે ખાસ કરીને સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલ વાહનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેવી જ રીતે અનેક વાહન ચાલકો પણ ખાડાના લીધે માટીમાં સ્લીપ થઈ ને પડી ગયા હોવાનું પણ જાણવા મળેલ છે. આથી સાત સાત દિવસથી લીકેજ માટે ખોદવામાં આવેલ ખાડો આજ સુધી નહી પુરાતા વોર્ડ નં.13ના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા તંત્રને ભાન કરાવવા માટે રજૂઆત કરી વહેલી તકે ખાડો પુરવામાં આવે તેમ વોટર વર્કસ વિભાગને જણાવ્યું હતું.
વોર્ડ નં.13ના પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે રજૂઆત કરી જણાવેલ કે, વોર્ડ 13 માં છ દિવસ પહેલા સ્વામિનારાયણ ચોક માં એક પાણી ની પાઇપ લીકેજ થતાં બીજે દિવસે રીપેરીંગ કરી નાખવા માં આવેલ પરંતુ ત્યારબાદ આજ છ દિવસ થી ખાડો બુરવા નો કોર્પોરેશન પાસે ટાઈમ નથી આ ખાડા ના લીધે બેફામ ટ્રાફિક થાય છે લોકો અગવડતા અનુભવે છે પરંતુ નિષ્ઠુર તંત્ર ને પ્રજા ના પ્રશ્નો ની ચિંતા નથી અને ફકત મોદી સાહેબ આવે છે એ રૂૂટ ઉપર ગાબડાં અને સફાઈ માં તંત્ર લાગી ગયું છે.