કેશોદના ખીરસરા ધાર નજીક મધરાતે અકસ્માત, કારે ટક્કર મારતાં બાઈક ચાલકનું કરૂણ મોત
મૃતકના પરિવારમાં શોક છવાયો, કાર ચાલક સામે કાર્યવાહી
કેશોદ તાલુકાના ખીરસરા ધાર પાસે 1 સપ્ટેમ્બરની રાત્રિના સમયે બનેલા ગંભીર અકસ્માતમાં એક બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કાર અને બાઈક વચ્ચે સામસામે ટક્કર થતાં આ દુર્ઘટના બની હતી.
કેશોદના રહેવાસી પ્રવીણભાઈ લીલાભાઈ જેઠવા પોતાની દુકાન માટેનો માલસામાન લઈને બાઈક દ્વારા ખીરસરા તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન ખીરસરા ધારની નજીક સામેમાંથી બાલાગામ તરફથી ઝડપે આવી રહેલી એક કાર તેમની બાઈક સાથે અથડાઈ હતી. આ કારની ટક્કર એટલી જોરદાર હતી કે, પ્રવીણભાઈને ગંભીર ઈજાઓ થતા તેમણે સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો.
અકસ્માતની જાણ થતાં જ ખીરસરા ગામના લોકો, આગેવાનો તથા સેવાભાવી યુવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ખીરસરા ગામના સરપંચ પ્રતિનિધિ જીવણભાઈ ભરડાએ જણાવ્યું હતું કે, પ્રવીણભાઈ રોજિંદા રોજગાર માટે ખીરસરા આવતા હતા, પરંતુ રાત્રે થયેલા આ અકસ્માતમાં કાર સીધી હડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટનાની જાણ થતાં અમે ગામના આગેવાનો અને યુવકો તાત્કાલિક એકઠા થઈ પ્રવીણભાઈના મૃતદેહને કેશોદ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો.
પોલીસે તપાસ શરૂૂ કરઅકસ્માત અંગે કેશોદ પોલીસને જાણ થતાં પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. કારચાલક અંગેની વિગતો મેળવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે કારચાલકની બેદરકારીના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા છે.
પ્રવીણભાઈ જેઠવાના અચાનક અવસાનથી કેશોદ તેમજ ખીરસરા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિવારજનો તથા ગામજનોમાં ગમગીની ફેલાઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખીરસરા ધાર નજીક ટ્રાફિકનું દબાણ વધતા વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે, તેથી તંત્રે અહીં માર્ગ સલામતીના કડક પગલાં ભરવા જરૂૂરી છે.