લગ્નપ્રસંગમાંથી પરત ફરતા પરિવારને નડયો અકસ્માત: દંપતી-સંતાનોને ઇજા
જસદણના કનેસરાથી લોધીકા જઇ રહેલા પરિવારના બાઇકને ભંગડા પાસે કારચાલકે ઉલાળ્યું
સરદારના લોધીડા ગામે રહેતો પરિવાર કનેસરા ગામથી પ્રસંગ પતાવી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ભંગડા ગામ પાસે અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં દંપતિ અને બે સંતાનોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સરધારના લોધીડા ગામે રહેતા નિલેશભાઈ કેશુભાઈ સોલંકી (ઉ.વ.32), તેમના પત્ની જોશનાબેન નિલેશભાઈ સોલંકી (ઉ.વ.30) પુત્ર ભાવેશ નિલેશભાઈ સોલંકી (ઉ.વ.15) અને પુત્રી કંકુબેન નિલેશભાઈ સોલંકી (ઉ.વ.15) બાઇક લઈ ભાંગડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘવાયેલા દંપતી અને બંને સંતાનોને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત પરિવાર કનેસરા ગામે પ્રસંગમાં ગયો હતો અને ત્યાં પ્રસંગ પતાવી બાઈક લઇ લોધીડા ગામે પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ભાડલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.