વેરાવળના સિડોકર ગામમાં માતાજીના પુંજ પ્રસંગ દરમિયાન દુર્ઘટના, વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં નવરાત્રિમાં એક દુર્ઘટના બની છે. વેરાવળના સીડોકર ગામમાં જનરેટરમાંથી કરંટ લાગતા 3 લોકોના મોત થયા છે. આ સિડોકર ગામે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર સમા મોમાઈ માતાજીના મઢ ખાતે પૂંજ ઉત્સવ દરમિયાન બની છે.
મળતી માહિતી અનુસાર વેરાવળના સીડોકર ગામમાં મોમાઈ માતાના મંદિરે પુંજનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ત્રણ ભક્તો ચા ભંડારા પાસે ઊભા હતા અને વરસાદથી બચવા ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ગયા હતા. અચાનક શોર્ટસર્કિટ થતાં ત્રણેયને વીજકરંટ લાગ્યો અને ઘટનાસ્થળે જ તેમનાં મોત નીપજયા હતાં. આ ઘટના સવારે સાડા ચાર વાગે બની હતી.
કરંટ લાગવાને કારણે ભરતભાઈ, કરશનભાઈ અને હર્ષદભાઈ નામના ત્રણ વ્યક્તિનું મોત થઈ છે. પોલીસે ત્રણેયના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્રણ વ્યક્તિના મોતથી ગામજનોમાં શોકનો માહોલ છે. નવરાત્રિની આઠમ અને નોમના પ્રસંગે આયોજિત પુંજના પ્રસંગે વહેલી સવારે કરુણાંતિકા સર્જાતા ઉત્સવમાં ગમગીની છવાઈ ગઈ.